
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલમાં પત્રકારત્વની ઓથ હેઠળ ધમકીઓ આપી નાણાં પડાવતા કથિત પત્રકાર રવી રામાણીનો વધુ એક ગંભીર ગુનો સામે આવ્યો છે. વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારને જમીન ચોખ્ખી કરાવી આપવાની લાલચ આપી અને ન્યુઝ વાયરલ કરવાની ધમકી આપી રૂ. 10 લાખની ખંડણી પડાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે આટકોટ પોલીસે કેયુર ભાયાણીની ફરિયાદ પરથી બીએનએસ હેઠળ ગુનો નોંધી જેલમાં બંધ આરોપીનો કબ્જો મેળવવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, વિરનગરના વતની કેયુરભાઈ ભાયાણીના પિતાને વર્ષ 2015માં કેન્સરની સારવાર માટે નાણાંની જરૂર પડતાં તેમણે કુખ્યાત અલ્પેશ દોંગા પાસેથી રૂ. 15 લાખ લીધા હતા. તેની સિક્યુરિટી પેટે 11 વીઘા ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ અન્ય વ્યક્તિના નામે કરાવ્યો હતો. આ જમીનનો કેસ કોર્ટમાં ચાલતો હોય, તેને ઉકેલવા માટે વર્ષ 2020માં મધ્યસ્થી અમિત ધામેલીયા મારફતે પીડિત પરિવારે ગોંડલ ગુંદાળા ચોકડી ખાતે આવેલી ઓફિસે રવી રામાણીનો સંપર્ક કર્યો હતો.
રવી રામાણીએ જમીન ચોખ્ખી કરાવી આપવાના બહાને રૂ. 10 લાખની માંગણી કરી હતી. પીડિત પરિવારે અસમર્થતા દર્શાવતા રવી રામાણીએ પત્રકાર હોવાનો રોફ બતાવી ધમકી આપી હતી કે, જો નાણાં નહીં આપે તો 'જમીન વેચી હોવા છતાં ખોટી ફરિયાદો કરો છો' તેવા ખોટા ન્યુઝ બનાવી વાયરલ કરશે અને સામે ખોટા દસ્તાવેજોની ફરિયાદ કરાવશે. આ ધમકી અને ભયના કારણે પીડિતે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આંગડિયા મારફતે રૂ. 10 લાખ પહોંચાડ્યા હતા.
નાણાં મેળવ્યા બાદ રવી રામાણીએ જમીન અંગે કોઈ કામ ન કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમય સુધી નાણાં પરત ન મળતાં મધ્યસ્થી અમિત ધામેલીયાએ પોતાની પાસેના રૂ. 7.50 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. 2.50 લાખ અને રવી રામાણીની ધમકીઓના કારણે પરિવાર ડરમાં જીવતો હતો. રવી રામાણી વિરુદ્ધ તાજેતરમાં અન્ય ગુનામાં ધરપકડ થતાં પીડિત પરિવારે હિંમત ભેગી કરી ફરિયાદ નોંધાવી હતી.
આટકોટ પોલીસે ગોંડલના આ કથિત પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ રવી રામાણી ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકના અન્ય એક ગુનામાં જેલહવાલે હોય, આટકોટ પોલીસ તેનો કબ્જો મેળવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે. પત્રકારત્વના નામે ખંડણી ઉઘરાવતા તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt