અત્યંત ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘અર્ણબ’ 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની આશંકા, કેન્દ્રએ તૈયારીઓની સમીક્ષા કરી
નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી વાવાઝોડા ‘અર્ણબ’ના 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અત્યંત ભયાનક ચક્રવાતી વાવાઝોડા તરીકે પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે તૈયારીઓની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત રા
અત્યંત ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘અર્ણબ’ 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની આશંકા, કેન્દ્રએ તૈયારીઓની સમીક્ષા કરી


નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી વાવાઝોડા ‘અર્ણબ’ના 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અત્યંત ભયાનક ચક્રવાતી વાવાઝોડા તરીકે પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે તૈયારીઓની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત રાજ્યોને જાનમાલના નુકસાનને ન્યૂનતમ રાખવા નિર્દેશ આપ્યા.

કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથનના અધ્યક્ષપદે યોજાયેલી રાષ્ટ્રીય સંકટ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠકમાં વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે અધિકારીઓને કહ્યું કે, પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે કોઈનો જીવ ન જાય અને સંપત્તિ તથા માળખાકીય સુવિધાઓને થતા નુકસાનને ન્યૂનતમ રાખવામાં આવે. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે, કોઈપણ નુકસાનની સ્થિતિમાં આવશ્યક સેવાઓ વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના મહાનિર્દેશકે બેઠકમાં જણાવ્યું કે, બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ક્ષેત્રમાં બનેલું ઊંડું દબાણ પશ્ચિમ તરફ આગળ વધતા ચક્રવાતી વાવાઝોડા ‘અર્ણબ’માં પરિવર્તિત થઈ ગયું છે. સોમવારે સવારે 5.30 વાગ્યે આ વાવાઝોડું બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં કેન્દ્રિત હતું.

તે શ્રી વિજયપુરમ (અંદમાન દ્વીપસમૂહ)થી લગભગ 590 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ, વિશાખાપટ્ટનમથી 650 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વ, કાકીનાડાથી 730 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વ, મછલીપટ્ટનમથી 830 કિલોમીટર પૂર્વ અને બાપટલાથી 910 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું.

હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડાના 27 ઓક્ટોબર સુધી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનો અને ત્યારબાદ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનો અંદાજ છે. તેના 28 ઓક્ટોબરની સવાર સુધી બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશ તથા યાનમના દરિયાકાંઠાને અત્યંત ભયાનક ચક્રવાતી વાવાઝોડા તરીકે પાર કરવાની આશંકા છે. આ દરમિયાન પવનની મહત્તમ સતત ગતિ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અને ઝાપટાંની ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનો અંદાજ છે.

વાવાઝોડાના પ્રભાવથી આંધ્ર પ્રદેશ ઉપરાંત તેલંગાણા, દક્ષિણી ઓડિશા, દક્ષિણ અને મધ્ય છત્તીસગઢની સાથે પૂર્વી ઉત્તર પ્રદેશ તથા બિહારના કેટલાક ભાગોમાં પણ અસર થવાની આશંકા છે. આ ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવનાને જોતા કેબિનેટ સચિવે ગૃહ મંત્રાલય અને હવામાન વિભાગને પૂર્વી ઉત્તર પ્રદેશ તથા બિહારના પ્રશાસનને પણ યોગ્ય રીતે સતર્ક કરવા નિર્દેશ આપ્યો.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય સચિવો તથા વરિષ્ઠ અધિકારીઓએ તૈયારીઓની જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાપ્ત રાહત શિબિરો અને સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) તથા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ)ની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જિલ્લાઓમાં નિયંત્રણ કક્ષ સક્રિય કરી દેવામાં આવ્યા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

માછીમારોને 26 થી 29 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલી મધ્ય બંગાળની ખાડી તથા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને યાનમના દરિયાકાંઠાની આસપાસ સમુદ્રમાં ન જવા સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સમુદ્રમાં હાજર માછીમારો પાછા ફર્યા છે.

એનડીઆરએફએ સમિતિને જણાવ્યું કે, તેની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને વધારાની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. સેના, નૌકાદળ, વાયુસેના અને ભારતીય તટરક્ષક દળની રાહત અને બચાવ ટીમો પણ જહાજો અને વિમાનો સાથે કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતીય તટરક્ષક દળે ઘણા જહાજો અને નૌકાઓને સુરક્ષિત રીતે ઘાટો અને દરિયાકાંઠા સુધી પહોંચાડ્યા છે તથા બાકીના જહાજોને પણ દરિયાકાંઠે પાછા ફરવા માટે સતર્ક કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું કે, ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એનડીએમએ) અને હવામાન વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે તથા સંબંધિત મંત્રાલયો, રાજ્ય સરકારો અને અન્ય એજન્સીઓ સાથે સંકલન જાળવી રહ્યા છે. બેઠકમાં સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોએ જણાવ્યું કે, માનક સંચાલન પ્રક્રિયાઓ લાગુ છે, આવશ્યક દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે અને વાવાઝોડાથી સંભવિત નુકસાન ઘટાડવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande