અલ્વારેઝ સાથે સંપર્ક કરવાના મામલે, બાર્સેલોના પર 602 યુરોનો દંડ
મેડ્રિડ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) સ્પેનિશ ફૂટબોલ મહાસંઘે આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર જુલિયન અલ્વારેઝનો સંપર્ક કરવાના મામલે, બાર્સેલોના પર 602 યુરોનો દંડ ફટકાર્યો છે. એટ્લેટિકો મેડ્રિડની ફરિયાદ બાદ મંગળવારે આ કાર્યવાહી કરવામાં આવી. એટ્લેટિકોએ આરો
રમતગમત


મેડ્રિડ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) સ્પેનિશ ફૂટબોલ મહાસંઘે આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર જુલિયન અલ્વારેઝનો સંપર્ક કરવાના મામલે, બાર્સેલોના પર 602 યુરોનો દંડ ફટકાર્યો છે. એટ્લેટિકો મેડ્રિડની ફરિયાદ બાદ મંગળવારે આ કાર્યવાહી કરવામાં આવી. એટ્લેટિકોએ આરોપ લગાવ્યો હતો કે, બાર્સેલોનાએ અલ્વારેઝનો સંપર્ક કરતા પહેલાં ક્લબને લેખિતમાં તેની જાણ કરી ન હતી.

અલ્વારેઝનો એટ્લેટિકો મેડ્રિડ સાથેનો કરાર જૂન 2030 સુધીનો છે. સ્પેનિશ મહાસંઘના નિયમોના અનુચ્છેદ 133 હેઠળ બાર્સેલોના પર આ દંડ ફટકારવામાં આવ્યો. એટ્લેટિકોએ આ મામલે ફીફાને પણ ફરિયાદ કરી હતી, પરંતુ ફીફાએ કહ્યું કે, આ મામલો તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

આ દરમિયાન, અલ્વારેઝે શનિવારે ડેપોર્ટિવો લા કોરુના સામે ગોલ કરીને એટ્લેટિકો મેડ્રિડને જીત અપાવી. સતત બીજી મેચમાં ગોલ કરનાર અલ્વારેઝના પ્રદર્શનથી એટ્લેટિકો લા લીગાની ટોચની ટીમ બાર્સેલોનાથી બે પોઈન્ટ પાછળ છે.

અલ્વારેઝે, તાજેતરમાં બાર્સેલોના માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરવા બદલ માફી પણ માંગી હતી. તેમણે 2026 વર્લ્ડ કપ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ બાર્સેલોના માટે રમીને પોતાનું સ્વપ્ન પૂરું કરવા માંગે છે. તેમના આ નિવેદનથી બંને ક્લબ વચ્ચે ટ્રાન્સફરને લઈને વિવાદ શરૂ થયો હતો, જે આખી ઉનાળાની ટ્રાન્સફર સીઝન સુધી ચાલુ રહ્યો.

આ નિવેદન બાદ એટ્લેટિકોના હોમ ગ્રાઉન્ડ પર, ચાહકો ઘણી વખત અલ્વારેઝની હૂટિંગ કરી ચૂક્યા છે. જોકે, શનિવારે ગોલ કર્યા બાદ દર્શકોના એક ભાગે ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું. આને ખેલાડી અને સમર્થકો વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande