
જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : આઝાદીની ઉષાકાળે જૂનાગઢ રાજ્યની પ્રજા ભારે ગડમથલમાં હતી. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભૌગોલિક અને વ્યવહારુ દૃષ્ટિએ પાકિસ્તાન સાથે જોડાણ શક્ય લાગતું ન હતું. તેમ જૂનાગઢની પ્રજા અને દેશના સરદાર પટેલ સહિતના ટોચના નેતાઓ પણ માનતા હતા.
૩૧ ઑક્ટોબર એટલે કે સરદાર પટેલની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બહાઉદ્દીન વિનયન કોલેજના ઇતિહાસના મદદનીશ પ્રાધ્યાપક ભાવિક ચાવડા કહે છે કે, દેશની એકતાના ઘડવૈયા લોહપુરુષ સરદાર પટેલને તેમની જન્મ જયંતિએ ખાસ જૂનાગઢે યાદ કરવા ઘટે. તેઓ જણાવે છે કે, ભારત સંઘ સાથે જૂનાગઢના જોડાણનો પ્રશ્ન ખૂબ પેચિદો બની ગયો હતો. પરંતુ સરદાર પટેલે જૂનાગઢને ભારત સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
તેમણે કહ્યું કે, ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર, ૧૯૪૭ સુધીના દિવસો જૂનાગઢના સંદર્ભમાં અગત્યના બની ગયા હતા. આ દરમિયાન લોર્ડ માઉન્ટબેટન તરફથી સરદારને એક પત્ર મળે છે, જેમાં તેઓ કહે છે કે, બાબરિયાવાડ અને માંગરોળ જૂનાગઢ રાજ્યની જાગીર છે અને તેનું સાર્વભૌમત્વ સ્વીકારેલું છે. આ જ મતલબની વાત પાકિસ્તાનના લિયાકત અલી પણ એક અખબારી લેખમાં કરે છે.
માઉન્ટબેટનના આ પત્રનો સરદાર પટેલ પ્રત્યુત્તર પાઠવે છે અને કહે છે કે, માંગરોળના શેખે અગાઉથી જ ભારત સંઘ સાથે જોડાવા માટે અરજી કરી હતી અને તેમના કાયદાકીય સલાહકાર સાથે પરામર્શ કરીને રાજકોટ ખાતે ભારત સંઘ સાથે જોડાણખત પણ થઈ ચૂક્યું છે. સરદાર આ પત્રમાં બાબરિયાવાડ અને માંગરોળ ભારતનો ભાગ બની ચૂક્યાં હોવાનું કહે છે. ઉપરાંત, આ સંદર્ભે પાકિસ્તાનને કોઈ વાંધો હોય તો લવાદ નીમીને આગળ વધી શકાય તેમ પણ જણાવે છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ રાજ્ય હેઠળના આશ્રિત કહી શકાય તેવા બાબરિયાવાડ (આજનો જાફરાબાદની આસપાસનો વિસ્તાર)ના લગભગ ૫૧ ગામોના ગિરાસદારોએ બ્રિટિશ શાસનની સર્વોપરિતાનો અંત આવતાં જ ભારત સંઘ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે ભારત સરકાર સાથે જોડાણખત પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આથી જૂનાગઢના નવાબે/રાજ્યે ગિરાસદારો સામે લશ્કરી કાર્યવાહી કરવા ઉપરાંત માંગરોળના શેખ પર પણ દબાણ લાવ્યું હતું.
ભાવિક ચાવડા વધુમાં જણાવે છે કે, ભારતનો ભાગ બની ચૂકેલા બાબરિયાવાડમાં ભારત સરકારે લશ્કર મોકલવું કે નહીં તે પણ એક ગંભીર મુદ્દો બની ગયો હતો. આથી લોર્ડ માઉન્ટબેટને જૂનાગઢનો પ્રશ્ન યુનો (સંયુક્ત રાષ્ટ્ર સંઘ)માં લઈ જવાની હિમાયત કરી હતી. પરંતુ સરદાર પટેલે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ મુદ્દે અન્ય નેતાઓનો પણ સરદાર પટેલને સાથ મળ્યો હતો. સરદાર પટેલ જાણતા હતા કે, આ મામલો યુનોમાં જશે તો લાંબો ખેંચાશે અને જૂનાગઢની પ્રજા અસમંજસમાં રહેશે.
તેમણે જણાવ્યું કે, જૂનાગઢ ભારત સંઘમાં ભળ્યા બાદ ૧૩ નવેમ્બરે સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જનસભાને સંબોધી હતી. તેમાં સરદાર પટેલે ઉપસ્થિત પ્રજાજનોની ભારત સાથે જોડાવાની ઇચ્છા જાણી હતી અને ઉપસ્થિત જનમેદનીએ પણ હાથ ઊંચા કરીને ભારત સાથે જોડાવાની સહમતી દર્શાવી હતી. ઉપરાંત, સરદાર પટેલે આ સભામાં હૈદરાબાદને પણ જૂનાગઢના ભારત સંઘ સાથે ભળવાના પ્રકરણમાંથી બોધપાઠ લેવા સલાહ આપી હતી.
તેમણે એમ પણ ઉમેર્યું કે, સરદાર પટેલે દેશી રાજ્યોના વિલીનીકરણ માટે જે યોગદાન આપ્યું છે, તે બદલ ગુજરાત સરકારે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને તેમને ઉચિત શ્રદ્ધાંજલિ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ