
નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારે ઘરેલું કાપડ અને પરિધાન ઉદ્યોગમાં કાચા કપાસની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કપાસની શુલ્ક-મુક્ત આયાતની સમય-મર્યાદા 2 મહિના વધારીને 31 ડિસેમ્બર 2026 સુધી કરી દીધી છે.
નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે આ માહિતી આપી છે. કેન્દ્રીય પરોક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી) એ 30 ઓક્ટોબરે આ સંબંધમાં અધિસૂચના બહાર પાડી છે. આ પહેલા શુલ્ક પર આ છૂટ 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ હતી, જેને હવે આગળ વધારીને 31 ડિસેમ્બર 2026 સુધી કરી દેવામાં આવી છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ વિસ્તરણથી કાપડ અને પરિધાન ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ ઘટવાની અપેક્ષા છે. આનાથી કાપડ બનાવતી કંપનીઓ અને ગ્રાહકોને રાહત મળશે. આ સાથે જ ઘરેલું ખેડૂતોના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.”
મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાથી બજારમાં કપાસની વધુ સારી ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત થશે, જેનાથી ઘરેલું કાપડ ઉદ્યોગ, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) ના પ્રદર્શન પર સકારાત્મક અસર પડવાની અપેક્ષા છે.
નોંધનીય છે કે, સરકારે મે મહિનામાં કપાસની આયાતને પાંચ મહિના એટલે કે 31 ઓક્ટોબર 2026 સુધી માટે સીમા શુલ્કમાંથી મુક્તિ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ