
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :
ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે રાજકોટ સબ માર્કેટ યાર્ડ ખાતે પ્લેટફોર્મ નંબર ૮ (શાકભાજી વિભાગ) પર ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને કલેક્ટર ડો. ઓમ પ્રકાશની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.
વર્ચુઅલ માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવામાં આવી રહ્યું છે. જમીનની ફળદ્રુપતા વધારવા સાથે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ પર ભાર મૂકાઈ રહ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવાનો રોડમેપ તૈયાર કરાયો છે, જેમાં પ્રાકૃતિક ખેતી, કૃષિ ટેક્નોલોજી અને જળ સંરક્ષણનો સમન્વય મહત્વની ભૂમિકા ભજવશે.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ માહિતી આપી કે સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાએ મળીને કુલ ૧૦૦ જેટલા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. આ કેન્દ્રોથી ગ્રાહકોને શુદ્ધ આહાર અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. ખેતીમાં વાવેતર અને પાક નુકસાનીના સચોટ અંદાજ માટે સેટેલાઇટ ડેટા મેળવવા ઇસરો (ISRO) સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. તેમણે રસાયણમુક્ત ખેતી અપનાવવા હાકલ કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને બિરદાવ્યા હતા.
ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહે તબીબી દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશને કારણે કેન્સર જેવા ગંભીર રોગો વધી રહ્યા છે. આવા સમયે પ્રાકૃતિક ખેત પેદાશો અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. પ્રાકૃતિક ખેતીથી જમીન, પાણી અને પર્યાવરણનું પણ જતન થાય છે. રાજકોટ શહેરમાં નાગરિકોની સુવિધા માટે ભવિષ્યમાં વધુ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં હાલ આશરે ૨૦,૫૦૦ ખેડૂતો ૨૮,૦૦૦ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સબ માર્કેટ યાર્ડ ખાતે શરૂ કરાયેલા નૂતન વેચાણ કેન્દ્રથી સ્થાનિક ખેડૂતો અને શહેરીજનો બંનેને ફાયદો થશે. આ શુભારંભ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન જયેશભાઈ બોઘરા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, માર્કેટ યાર્ડના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt