
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ AIIMS હોસ્પિટલમાં ફરજ બજાવતી 25 વર્ષીય મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે નર્સિંગ સ્ટાફના કર્મચારી લલિત શર્માએ જાતીય સતામણી કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ડ્રેસિંગ રૂમમાં એકાંતનો લાભ ઉઠાવી આરોપીએ મહિલા ડોક્ટરની મરજી વિરુદ્ધ શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 75(2) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે.
ઘટનાની વિગત મુજબ, તા. 26 સપ્ટેમ્બરે ડ્રેસિંગ વિભાગમાં ડ્યુટી દરમિયાન આરોપી લલિત શર્માએ મહિલા ડોક્ટરનો મોબાઈલ લઈને અંગત ફોટા જોવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ડોક્ટરે વિરોધ કર્યો હતો. ત્યારબાદ તા. 30 સપ્ટેમ્બરે ડ્રેસિંગ રૂમમાં કોઈ દર્દી ન હોવાથી આરોપીએ દરવાજો બંધ કરી મહિલા ડોક્ટરને બહાર જમવા જવા અને પાર્ટી આપવા દબાણ કર્યું હતું. ડોક્ટરે પોતે મેસમાં જમતી હોવાનું જણાવી આરોપી પરણિત હોવાથી આવું ફ્લર્ટિંગ ન કરવા કહ્યું હતું. તેના જવાબમાં આરોપીએ ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હૈ? જેવી અયોગ્ય ટિપ્પણી કરી વાતચીત ચાલુ રાખી હતી.
ત્યારબાદ મહિલા ડોક્ટર બાકડા પર બેઠી હતી ત્યારે આરોપી તેની બાજુમાં આવીને બેઠો હતો. તેણે Can I touch you? કહીને કમરના ભાગે સ્પર્શ કરવાનો ઇશારો કર્યો હતો. મહિલા ડોક્ટરે આપ ઐસા નહીં કર શકતે કહીને સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હોવા છતાં, આરોપીએ બળજબરીથી કમરમાં હાથ નાખી તેને પકડી લીધી હતી અને ખભા પર હાથ મૂક્યો હતો. આ ઘટનાથી ગભરાયેલી મહિલા ડોક્ટર તરત જ ઈમરજન્સી વિભાગમાં ભાગી ગઈ હતી અને પોતાના સાથી કર્મચારીને સમગ્ર આપવીતી જણાવી હતી.
આ મામલે મહિલા ડોક્ટરે પોતાના સાથી ઇન્ટર્ન ડોક્ટરો સાથે ચર્ચા કરીને વિભાગીય સ્તરે તેમજ AIIMSના ચેરમેનને લેખિત ફરિયાદ સોંપી હતી. બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂળ રાજસ્થાનના પાલીનો વતની લલિત શર્મા હાલ રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહે છે.
હાલ ગાંધીગ્રામ પોલીસે પરણિત આરોપી લલિત શર્માની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સંબંધિત પુરાવા એકત્ર કરવા માટે પોલીસે ડ્રેસિંગ વિભાગના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને હોસ્પિટલના સાક્ષીઓના નિવેદનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt