
- સરદાર વલ્લભભાઈ પટેલ દેશના રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર. સરદાર સાહેબની પ્રેરણા આપણા સૌને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપે છે - નીતિન ગડકરી
રાજપીપળા,05 ઓકટોબર (હિ.સ.) સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર ખાતે આયોજિત નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં હાજરી આપવા પધારેલા કેન્દ્રીય સડક,પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી. નીતિન ગડકરીએ ભારત સરકારના સડક,પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
એકતા નગરમાં એકતાની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમ્યાન તેઓએ નોંધપોથીમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશની રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર હતા,તેમની પ્રેરણા આપણા સૌને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપતી રહેશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશની એકતાના શિલ્પકાર હતા. વિશેષ રૂપે તેમણે સ્વાધીનતાના સમય પહેલાંથી જ ગુજરાતમાં જે સિંચાઈ માટે સરદાર સરોવરનું સપનું જોયું હતું, નિશ્ચિત રૂપે તે સપનું ભારતને સુજલામ્-સુફલામ્ કરવાના વિચારોને અનુરૂપ હતું. દેશની એકતા સાથે અને વિશેષ રૂપે એકાત્મતા સાથે તેમણે જે અન્ય રાજ્યોનું વિલીનીકરણ કર્યું અને જે ભારતનું નિર્માણ કર્યું, તેને આપણો દેશ ક્યારેય ભૂલી નહીં શકે. તેમનું યથોચિત ગૌરવ સ્મારક આપણને હર સમય પ્રેરણા આપતું રહેશે.
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેમના આ વ્યક્તિત્વને, કાર્ય અને કર્તૃત્વને એક સ્મારકના રૂપમાં જે પ્રકારથી અહીં ચિત્રાંકિત કર્યું છે, તે દેશવાસીઓ માટે મોટા અભિમાનનો વિષય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આપણા રાષ્ટ્રની એકતા, એકાત્મતા અને અખંડતાના પ્રતીક છે.
અલગ ભાષા, અલગ વેશ, ફિર ભી હમારા એક દેશ-આ વાતને તેમણે પોતાના કાર્ય-કર્તૃત્વથી સિદ્ધ કરીને બતાવી. તેમનું જીવન, તેમનું વ્યક્તિત્વ અને તેમનું કાર્ય ભવિષ્ય માટે રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આપણને સૌને પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું યથોચિત સ્મારક અને ગૌરવ સ્મૃતિના રૂપમાં અહીં કર્યું છે, તે આપણને હર સમય વિશ્વગુરુ બનવાની પ્રેરણા આપતું રહેશે, એ મારો વિશ્વાસ છે.
ગડકરીની સાથે સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુકત સચિવ ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ રાજ્ય સરકાર વતી ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ,અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નાયબ કલેક્ટર નિરવ પારીતોષ ઉપસ્થિત રહયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ