
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે પહોંચેલા સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પારમેલિનનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે, રાષ્ટ્રપતિ ભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમને ત્રિ-સેવા 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું.
વિદેશ મંત્રાલય અનુસાર, પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી પહોંચેલા રાષ્ટ્રપતિ ગાય પારમેલિનનું હવાઈ અડ્ડા પર કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમટાએ સ્વાગત કર્યું. હવાઈ અડ્ડા પર તેમને ઔપચારિક 'સ્ટેટિક ગાર્ડ' સન્માન આપવામાં આવ્યું.
ઔપચારિક સ્વાગત બાદ રાષ્ટ્રપતિ પારમેલિને કહ્યું કે, તેમનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને આગળની પ્રગતિ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રવાસ ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) વચ્ચે થયેલા, ઐતિહાસિક વેપાર કરારની પ્રથમ વર્ષગાંઠના અવસરે થઈ રહ્યો છે. વાટાઘાટો દરમિયાન બંને દેશોના શીર્ષ નેતાઓ દ્વિપક્ષીય વેપાર, રોકાણ, વિજ્ઞાન, ઇનોવેશન અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.
પોતાના પ્રવાસના બીજા દિવસે મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર)ની મુલાકાત લેશે. આ હવાઈ અડ્ડાના વિકાસમાં સ્વિટ્ઝર્લેન્ડની કંપનીઓ અને ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભાગીદારી રહી છે. આ પ્રવાસ દ્વારા બંને દેશો વચ્ચે માળખાકીય સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. વિદેશ મંત્રાલય મુજબ, આ ઔપચારિક સ્વાગત ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેની આત્મીયતા અને લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ