
ભાવનગર,08 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ, પુનઃઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ઇકો બ્રિક્સ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અભિયાન અંતર્ગત નાગરિકોને ઘરમાં કે આસપાસ એકત્ર થતા ઉપયોગમાં ન લઈ શકાય તેવા પ્લાસ્ટિકના કચરાને અલગ એકત્ર કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિક કચરાને ખુલ્લામાં ફેંકવાને બદલે તેનો ઉપયોગ ઇકો બ્રિક્સ તૈયાર કરવા માટે કરી શકાય છે. આ પ્રકારની ઇકો બ્રિક્સમાં પ્લાસ્ટિક કચરાને એકત્ર કરીને યોગ્ય રીતે ભરવામાં આવે છે, જેથી કચરાના પ્રમાણમાં ઘટાડો થાય અને તેનો પુનઃઉપયોગ શક્ય બને.
મહાનગર પાલિકા દ્વારા નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સંગઠનોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ અને અયોગ્ય નિકાલ પર્યાવરણ માટે ગંભીર સમસ્યા ઊભી કરે છે. તેથી કચરાનું સ્ત્રોત પર જ વિભાજન, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને પુનઃઉપયોગ અંગે જનજાગૃતિ વધારવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA