
પાટણ, 09 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત અને જિલ્લાના 9 તાલુકા પંચાયતોમાં કાયમી સરકારી કર્મચારીઓની અછતના કારણે વહીવટી કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ પર અસર પડી રહી છે. ચાર મહત્વની કેડરોમાં કુલ 623 મંજૂર જગ્યાઓ સામે માત્ર 412 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 211 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. કર્મચારીઓની ઘટને કારણે સરકારી યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
ખાલી જગ્યાઓની વિગતો મુજબ, નાયબ ચીટનીસની 32 મંજૂર જગ્યાઓમાંથી 14, સિનિયર ક્લાર્કની 93 જગ્યાઓમાંથી 35 અને જુનિયર ક્લાર્કની 151 જગ્યાઓમાંથી 120 જગ્યાઓ ખાલી છે. જ્યારે પંચાયત તલાટીની 347 મંજૂર જગ્યાઓ સામે 305 કર્મચારીઓ ફરજ પર છે અને 42 જગ્યાઓ ખાલી છે. આ આંકડા પ્રમાણે જુનિયર ક્લાર્કની કેડરમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે, જેના કારણે કચેરીઓની કામગીરી પર વિશેષ ભારણ ઊભું થયું છે.
કર્મચારીઓની અછતના પગલે ફરજ પરના કર્મચારીઓને એકસાથે અનેક ટેબલનો કાર્યભાર સંભાળવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ શારીરિક અને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે વિકાસ કમિશનર કચેરીને વારંવાર માંગણી પત્રકો મોકલવામાં આવ્યા હોવા છતાં ભરતી થઈ નથી. પરિણામે વહીવટી કામગીરી ધીમી પડી રહી છે. પંચાયત તંત્રની કામગીરી વધુ અસરકારક બને અને સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને સમયસર મળે તે માટે ખાલી પડેલી તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ