
નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.). બંગાળની ખાડીમાં બનેલું ઊંડું દબાણનું ક્ષેત્ર, ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ’માં પરિવર્તિત થઈ ગયું છે. આજે સવારે 11:30 વાગ્યે આ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત હતું. તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને 2 નવેમ્બરની સવાર સુધીમાં ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં બદલાવાની આશંકા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું આગળ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતા દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેના 2 નવેમ્બરની મધ્યરાત્રિ 11:30 વાગ્યાથી 3 નવેમ્બરની સવારે 4 વાગ્યાની વચ્ચે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દરિયાકાંઠો પાર કરવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે, જ્યારે પવનના ઝાપટાંની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનો અંદાજ છે.
ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી વાવાઝોડાની અસરથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે 1 અને 2 નવેમ્બરના રોજ તમિલનાડુમાં, જ્યારે 2 અને 3 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
વિભાગે 3 અને 4 નવેમ્બરના રોજ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમમાં 2 અને 3 નવેમ્બરના રોજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત 3 નવેમ્બરના રોજ તેલંગાણામાં પણ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ચક્રવાતની દિશા, તીવ્રતા અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્યોમાં સાવચેતી રાખવાની ચેતવણી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ