કાચા તેલના ભાવમાં ઘટાડો ચાલુ, બ્રેન્ટ ક્રૂડ 90 ડૉલરના સ્તરથી પણ નીચે આવ્યું
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.): ઇન્ટરનેશનલ એનર્જી માર્કેટમાં ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાની આશા વચ્ચે કાચા તેલના ભાવમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સોમવારે કાચા તેલના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે સરકી ગયા હતા. ત્યારબાદ આજે પણ કાચા તેલના ભાવમાં નરમાઈનુ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.): ઇન્ટરનેશનલ એનર્જી માર્કેટમાં ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાની આશા વચ્ચે કાચા તેલના ભાવમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સોમવારે કાચા તેલના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે સરકી ગયા હતા. ત્યારબાદ આજે પણ કાચા તેલના ભાવમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું છે. આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તે તાજેતરનું નિવેદન માનવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે સંકેત આપ્યો છે કે ઈરાન પર હવે વધુ નવા હુમલાની જરૂર નહીં પડે.

આ ઘટાડા પછી બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે 90 ડૉલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી પણ નીચે પહોંચી ગઈ છે. ભારતીય સમય અનુસાર બપોરે એક વાગ્યાની આસપાસ બ્રેન્ટ ક્રૂડ પાછલા બંધ ભાવ 92.57 ડૉલર સામે 3.39 ડૉલર એટલે કે 3.66 ટકા ઘટીને 89.18 ડૉલર પ્રતિ બેરલના સ્તર સુધી ચાલ્યું ગયું હતું. જોકે બાદમાં તેની સ્થિતિમાં સામાન્ય સુધારો પણ થયો હતો. હાલમાં, સાંજે 4:15 વાગ્યે બ્રેન્ટ ક્રૂડ 2.69 ડૉલર એટલે કે 2.91 ટકાનો ઘટાડો નોંધાવતા 89.88 ડૉલર પ્રતિ બેરલના સ્તરે વેપાર કરી રહ્યું છે.

આ જ રીતે અમેરિકી ક્રૂડ એટલે કે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડીયેટ (ડબલ્યુટીઆઈ) ના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડબલ્યુટીઆઈ ક્રૂડ આજે તેના પાછલા બંધ ભાવ 86.85 ડૉલર સામે 2.97 ડૉલર એટલે કે 3.42 ટકાના ઘટાડાનો શિકાર બનીને 83.88 ડૉલર પ્રતિ બેરલના સ્તર સુધી પહોંચી ગયું હતું. જોકે બાદમાં તેની ચાલમાં થોડી તેજી આવી, જેના કારણે સાંજે 4:15 વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ 1.95 ડૉલર પ્રતિ બેરલ એટલે કે 2.25 ટકાની નબળાઈ સાથે 84.90 ડૉલર પ્રતિ બેરલના સ્તરે વેપાર કરી રહ્યું હતું.

કાચા તેલના આ સમગ્ર ઘટનાક્રમ પર નજર નાખીએ તો ઓક્ટોબરના અંતમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતો 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. કિંમતોમાં આવેલી આ હાલની નરમાઈ પાછળ અમેરિકામાં થયેલી મધ્યાવધિ ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ ઈરાન સાથેના અમેરિકી યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં આવેલા બદલાવને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પના વલણમાં પરિવર્તન આવવાથી ઈરાન સંઘર્ષના જલ્દી પૂરા થવાની આશાઓ ઘણી વધી ગઈ છે.

માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચૂંટણીના પરિણામોએ ઈરાન સામેના મોટા લશ્કરી અભિયાન માટે ટ્રમ્પના વિકલ્પોને ઘણા મર્યાદિત કરી દીધા છે. આનાથી તેલની કિંમતોમાં સામેલ જિયો-પોલીટીકલ રિસ્કનું પ્રીમિયમ હવે ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે. જોકે, જાણકારોનું એ પણ માનવું છે કે તેહરાન સાથે કોઈ પાક્કો કરાર ન થવાની સ્થિતિમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 85 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જ ટકી રહી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande