
મુંબઈ, નવી દિલ્હી, 14 નવેમ્બર. યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) હવે હોરર ફિલ્મોની દુનિયામાં ડગ માંડવા જઈ રહ્યું છે. પ્રોડક્શન હાઉસે પોતાની પ્રથમ ડરામણી ફિલ્મની વિશ્વભરમાં રજૂઆત માટે 31 માર્ચ 2028ની તારીખ નક્કી કરી છે. હાલમાં શીર્ષક વગરની આ ફિલ્મમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે તેનું નિર્દેશન અભય પન્નુ કરશે. ફિલ્મને મોટા પડદા પર એક નવા અને રોમાંચક ડરામણા અનુભવ તરીકે રજૂ કરવાની તૈયારી છે.
આ પ્રોજેક્ટ આદિત્ય ચોપરાના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે અને વાયઆરએફના સીઈઓ અક્ષય વિધાની તેના નિર્માતા છે. ‘રોકેટ બોયઝ’ થી ઓળખ બનાવનાર અભય પન્નુએ ફિલ્મની પટકથા પણ લખી છે. થિયેટ્રિકલ ફીચર ફિલ્મ નિર્દેશક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ હશે. વાયઆરએફની ફિલ્મગ્રાફીમાં અત્યાર સુધી રોમાંસ, એક્શન, ડ્રામા, કોમેડી અને થ્રિલર જેવી શૈલીઓ સામેલ રહી છે. એવામાં હોરર શૈલીમાં આ તેમનો નવો પ્રયોગ હશે.
વરુણ ધવન આ ફિલ્મ દ્વારા યશ રાજ ફિલ્મ્સ સાથે બીજી વખત કામ કરશે. આ ફિલ્મ તેમને એક અલગ પ્રકારના પાત્ર અને નવા સિનેમેટિક અંદાજમાં રજૂ કરશે. વાયઆરએફના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં તેના ખાસ પ્રોડક્શન સ્તર અને ભવ્ય સિનેમેટિક રજૂઆત સાથે પ્રેક્ષકોને હોરરનો નવો અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ