હાથમાં ફ્રેક્ચરના કારણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયા સેન્ટનર, ફોક્સક્રોફ્ટને તક
વેલિંગ્ટન, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર, જમણા હાથમાં ફ્રેક્ચરના કારણે ભારત સામેની આગામી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર


વેલિંગ્ટન, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર, જમણા હાથમાં ફ્રેક્ચરના કારણે ભારત સામેની આગામી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડની મર્યાદિત ઓવરોની ટીમના કેપ્ટન સેન્ટનરને રવિવારે (15 નવેમ્બર) માઉન્ટ માઉંગાનુઈમાં ભારત સામેની પાંચમી વનડે મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે જમણા હાથમાં ઈજા થઈ હતી. ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહનો એક દડો તેમના જમણા હાથના પાછળના ભાગે વાગ્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગની 37મી ઓવરમાં ઈજા થયા બાદ ફિઝિયોએ મેદાન પર તેમની સારવાર કરી હતી. જોકે, સેન્ટનરે બેટિંગ ચાલુ રાખી હતી અને 24 રન બનાવીને આઉટ થયા હતા. બાદમાં કરવામાં આવેલી તપાસમાં તેમના હાથમાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ હતી, જેના કારણે તેઓ ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સેન્ટનરના મેદાન પર પરત ફરવામાં લાગનારા સમય અંગે અત્યારે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે યોજાનારા ચાર ટેસ્ટ મેચોના પ્રવાસમાં તેમની ઉપલબ્ધતા અંગે યોગ્ય સમયે જાણકારી આપવામાં આવશે.”

સેન્ટનરના સ્થાને ડીન ફોક્સક્રોફ્ટને ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોક્સક્રોફ્ટ ભારત સામેની છેલ્લી બે વનડે મેચોમાં પણ રમ્યા હતા. તેમણે આ વર્ષે મે મહિનામાં આયર્લેન્ડ સામે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 98 રન બનાવ્યા હતા.

ફોક્સક્રોફ્ટે ભારત એ સામેની અનૌપચારિક ટેસ્ટ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે આ મેચોમાં 51, 42, 93 અને અણનમ 10 રન બનાવ્યા હતા.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 નવેમ્બરથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં રમાશે. બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande