
કાઠમંડુ, નવી દિલ્હી, 2 નવેમ્બર (હિ.સ.): નેપાળના ઉપલા ડોલ્પામાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા છ ભારતીય પ્રવાસીઓને સોમવારે સવારે હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા.
આ પ્રવાસીઓ 1 નવેમ્બરથી હિમવર્ષાને કારણે ગુમ થયા હતા. સોમવારે સવારે હેલિકોપ્ટર દ્વારા તેમને બચાવવામાં આવ્યા. સવારે 6:30 વાગ્યે ઉડાન ભરેલા હેલિકોપ્ટરે પહેલા બે મહિલાઓને બચાવી અને તેમને જિલ્લા મુખ્યાલય, દુનાઈ પહોંચાડ્યા. તેમની તબિયત સામાન્ય હતી. ત્યારબાદ હેલિકોપ્ટર ઘટનાસ્થળે પરત ફર્યું અને બાકીના ચાર પુરુષોને બચાવ્યા.
ડોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જુનુ હમાલ ધકલે તમામ છ ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવવાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે, તે બધાની તબિયત સામાન્ય છે.
જિલ્લા વહીવટી કાર્યાલય, ડોલ્પાને 1 નવેમ્બરના રોજ માહિતી મળી હતી કે, હિમવર્ષાને કારણે પ્રવાસીઓ ફસાયેલા છે. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો.
જિલ્લા વહીવટી કચેરીએ જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ જરૂરી વહીવટી પરવાનગી લીધા વિના ઉપલા ડોલ્પા ગયા હતા. તેઓ ડોલ્પો બુદ્ધ ધો થી શે-ફોક્સુંડોમાં ફોક્સુંડો ઝીલ તરફ પાછા ફરતી વખતે નુમલા અને વાગલા પાસ પાસે ફસાયા હતા.
પ્રતિકૂળ હવામાન અને ભારે હિમવર્ષાને કારણે, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ પર્વતીય પ્રદેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. જોકે, જરૂરી પરવાનગી લીધા વિના જોખમી માર્ગ અપનાવવાને કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ