કોલકતામાં મોટી વિમાન દુર્ઘટના ટળી - શિલોંગ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન ફેઇલ, સાંસદ સહિત 67 મુસાફરો સવાર હતા
કોલકતા, નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.). કોલકતાથી શિલોંગ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સના એક વિમાનના મુસાફરો તે સમયે એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચ્યા, જ્યારે રનવે તરફ આગળ વધતી વખતે વિમાનનું એક એન્જિન અચાનક ફેઇલ થઈ ગયું. આ વિમાનમાં ત્રણ સાંસદો સહિત ક
પ્રતીકાત્મક


કોલકતા, નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.). કોલકતાથી શિલોંગ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સના એક વિમાનના મુસાફરો તે સમયે એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચ્યા, જ્યારે રનવે તરફ આગળ વધતી વખતે વિમાનનું એક એન્જિન અચાનક ફેઇલ થઈ ગયું. આ વિમાનમાં ત્રણ સાંસદો સહિત કુલ 67 મુસાફરો સવાર હતા. આ ઘટનાને કારણે મુસાફરોને લગભગ બે કલાક સુધી વિમાનની અંદર જ ફસાયેલા રહેવું પડ્યું, જેના પછી પાઇલટે ઉડાન રદ કરવાનો નિર્ણય લીધો. આ ગંભીર બેદરકારીને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6ઇ 7423ને કોલકાતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી શિલોંગ માટે ઉડાન ભરવાની હતી. આ વિમાનમાં ડીએમકેના રાજ્યસભા સાંસદ પી. વિલ્સન સહિત અન્ય બે સાંસદો પણ સવાર હતા, જેઓ એક સંયુક્ત સંસદીય સમિતિની જન સુનાવણીમાં ભાગ લેવા માટે શિલોંગ જઈ રહ્યા હતા. સાંસદ વિલ્સને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, વિમાન પાર્કિંગ બેથી રનવે તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તે અચાનક અટકી ગયું. તપાસ કરતાં જાણવા મળ્યું કે વિમાનનું એક એન્જિન કામ કરી રહ્યું નથી. ઉડાન ભરતા પહેલા જ પાઇલટને મજબૂરીમાં એન્જિન બંધ કરવું પડ્યું.

આરોપ છે કે, એન્જિનમાં ખરાબી આવ્યા પછી પણ મુસાફરોને તરત જ વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા નહોતા. તેમને લગભગ બે કલાક સુધી વિમાનની અંદર જ રાહ જોવી પડી. પછીથી પાઇલટે જાહેરાત કરી કે, તકનીકી ખરાબીને કારણે ઉડાન રદ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી મુસાફરોમાં સ્વાભાવિક રીતે જ ગભરાટ ફેલાઈ ગયો. સાંસદ વિલ્સને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જો આ યાંત્રિક ખરાબી હવામાં થઈ હોત, તો તેના પરિણામો કેટલા ભયાવહ હોઈ શક્યા હોત.

આ ઘટનાના તરત જ પછી ડીએમકે સાંસદે ડીજીસીએની કાર્યપ્રણાલી પર સખત પ્રહાર કર્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જે વિમાનના એન્જિનમાં આટલી ગંભીર સમસ્યા હતી, તેને ઉડાન ભરવાની પરવાનગી કેવી રીતે મળી ગઈ અને કયા આધારે તેને ઉડાન યોગ્યતા (એરવર્ધિનેસ)નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. વિલ્સનનો દાવો છે કે વિમાન બિલકુલ સુરક્ષિત નહોતું અને તેમ છતાં ઉડાનની પરવાનગી આપવી એ એક ખૂબ મોટી બેદરકારી છે.

સાંસદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે, દેશમાં સંચાલિત થતા તમામ વિમાનોના એરવર્ધિનેસ સર્ટિફિકેટ (ઉડાન યોગ્યતા પ્રમાણપત્ર)ની નવી રીતથી તપાસ કરવામાં આવે. જરૂર પડ્યે દેખરેખ એજન્સીઓ દ્વારા અચાનક નિરીક્ષણની વ્યવસ્થા થાય અને જો કોઈ વિમાન અસુરક્ષિત જણાય, તો તેનું પ્રમાણપત્ર તરત જ રદ કરીને તેને સેવામાંથી હટાવી દેવામાં આવે.

સાંસદ વિલ્સને ફક્ત યાંત્રિક ખરાબીનો મુદ્દો જ ઉઠાવ્યો નથી, પરંતુ એરલાઇન કંપનીઓ અને નિયમનકારી સંસ્થાના અધિકારીઓ વચ્ચે સંભવિત સાંઠગાંઠનો પણ ગંભીર આરોપ લગાવ્યો. તેમનો દાવો છે કે, કેટલાક અધિકારીઓ અને એરલાઇન્સ વચ્ચે અયોગ્ય મિલીભગતને કારણે મુસાફરોની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે. તેમણે આવી ઘટનાઓને રોકવા માટે દોષિતોને કડક સજા આપવા, બેદરકારી દાખવનારા અધિકારીઓને બરતરફ કરવા અને સુરક્ષા સાથે સમાધાન કરનારી એરલાઇન કંપનીઓના લાઇસન્સ રદ કરવાની પણ માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande