
નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે, ભારતના પ્રવાસે આવેલી બલ્ગેરિયાના વિદેશ મંત્રી વેલિસ્લાવા પેત્રોવા-ચામોવા સાથે બેઠક કરીને દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને રોકાણ વધારવા પર ચર્ચા કરી.
બ બંને મંત્રીઓએ આ વાતચીત દરમિયાન બલ્ગેરિયામાં વેપાર વધારવા અને ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાના અવસરો પર ચર્ચા કરી. તેમણે ડિસેમ્બરની શરૂઆતમાં સોફિયામાં યોજાનારા બલ્ગેરિયા-ભારતીય વેપાર મંચના માધ્યમથી વાતચીત ચાલુ રાખવાની શક્યતા પર પણ વિચાર કર્યો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, બલ્ગેરિયાના વિદેશ મંત્રી ડૉ. વેલિસ્લાવા પેત્રોવા-ચામોવા સાથે સાર્થક બેઠક કરી. તેમણે જણાવ્યું કે, ભારત-બલ્ગેરિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, વેપાર, રોકાણ અને આર્થિક જોડાણ સહિતના પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરવામાં આવી.
કેન્દ્રીય મંત્રીએ જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, ભારત અને બલ્ગેરિયા વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતાને મજબૂત કરવા અને ભાગીદારીના નવા રસ્તા શોધવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
આ પહેલાં બલ્ગેરિયાના વિદેશ મંત્રી વેલિસ્લાવા પેત્રોવાએ, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પેત્રોવા નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત કરશે. બલ્ગેરિયાના વિદેશ મંત્રી વેલિસ્લાવા પેત્રોવા-ચામોવા તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરના આમંત્રણ પર 20-22 નવેમ્બર સુધી ભારતના સત્તાવાર પ્રવાસે છે, જે છેલ્લા 17 વર્ષમાં કોઈ બલ્ગેરીયન વિદેશ મંત્રીની પહેલી ભારત યાત્રા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ