'ગર્વ છે', એથ્લીટ તરુણ શર્માએ શારજાહમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં જીત્યો સુવર્ણચંદ્રક
અમદાવાદ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.): બાળપણમાં સંપૂર્ણ લકવા (પેરાલિસિસ)નો ભોગ બનેલા તરુણ શર્માએ, સંઘર્ષ અને મક્કમ મનોબળના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલા પેરા કરાટે ખેલાડી તરુણે સં
તરુણ શર્મા


અમદાવાદ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.): બાળપણમાં સંપૂર્ણ લકવા (પેરાલિસિસ)નો ભોગ બનેલા તરુણ શર્માએ, સંઘર્ષ અને મક્કમ મનોબળના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલા પેરા કરાટે ખેલાડી તરુણે સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં યોજાયેલી બુડોકાન કરાટે કપ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો. તેમણે 15 નવેમ્બરે યોજાયેલી સ્પર્ધાની કે-21 શ્રેણીમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી. આ ચેમ્પિયનશિપમાં 28 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

છ વર્ષની ઉંમરે તરુણ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તે સમયે તેઓ ન તો જાતે બેસી શકતા હતા અને ન તો હલનચલન કરવા કે ભોજન કરવામાં સક્ષમ હતા. આજે 35 વર્ષની ઉંમરે તેઓ વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને બિરાજમાન છે. એશિયન, કોમનવેલ્થ અને રાષ્ટ્રીય રેન્કિંગમાં તેમનું પ્રથમ સ્થાન છે.

તરુણનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેમણે 2019માં વિશ્વ કરાટે ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ પછી 2022માં એશિયન પેરા કરાટે ચેમ્પિયનશિપમાં રજત અને 2023માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. વર્ષ 2024માં તેમણે કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં બે સુવર્ણચંદ્રક જીત્યા. 2025માં એશિયન પેરા કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ અને 2026માં રજત ચંદ્રક પોતાના નામે કર્યો. આ જ વર્ષે તેમણે રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપની સાથે પંજાબ રાજ્ય અને કેઆઇઓ રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો.

તરુણે જણાવ્યું કે, ‘ગર્વ છે’ જર્સીમાં શારજાહમાં સુવર્ણચંદ્રક જીતવો તેમના માટે ખાસ ક્ષણ છે. બાળપણમાં કરાટેએ તેમને નવું જીવન આપ્યું અને હવે તેઓ ઈચ્છે છે કે બીજા બાળકો પણ આ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ અને આગળ વધવાની તકો મેળવે. અદાણી સ્પોર્ટ્સલાઇનના સહયોગથી સ્પર્ધાઓમાં આવવા-જવા અને જરૂરી રમતગમતના સાધનો મેળવવાની મુશ્કેલીઓ ઓછી થઈ છે. જેનાથી તેમને ભારતનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.

પંજાબના રહેવાસી તરુણ હવે પોતાની સિદ્ધિઓ સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેઓ લુધિયાણામાં 1400થી વધુ વંચિત છોકરીઓને નિઃશુલ્ક સ્વરક્ષણ તાલીમ આપી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય છોકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમને પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ બનાવવાનો છે.

તરુણ હવે એક એવી કરાટે એકેડમી સ્થાપવા માંગે છે, જ્યાં આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓની પરવા કર્યા વિના બાળકોને ગુણવત્તાસભર તાલીમ મળી શકે. તેમનું માનવું છે કે, કોઈપણ બાળકની પરિસ્થિતિઓ તેની પ્રતિભા અને સપનાંના રસ્તાંમાં અડચણ ન બનવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande