એસએ20 : ડરબન સુપર જાયન્ટ્સના, નવા મુખ્ય કોચ બન્યા કેન વિલિયમસન
જોહાનસબર્ગ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) ડરબન સુપર જાયન્ટ્સે એસએ20ની પાંચમી સિઝન માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને પોતાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વિલિયમસન આ પહેલાં એસએ20ની ત્રીજી અને ચોથી સિઝનમાં ખેલાડી તરીકે આ ફ્રેન્ચ
ક્રિકેટ


જોહાનસબર્ગ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) ડરબન સુપર જાયન્ટ્સે એસએ20ની પાંચમી સિઝન માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને પોતાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

વિલિયમસન આ પહેલાં એસએ20ની ત્રીજી અને ચોથી સિઝનમાં ખેલાડી તરીકે આ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હવે તેઓ કોચની ભૂમિકામાં કિંગ્સમીડ પર પાછા ફરશે. તેઓ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાંસ ક્લૂઝનરનું સ્થાન લેશે.

ક્લૂઝનર આ લીગની શરૂઆતથી જ છેલ્લા ચાર સત્રોથી, ડરબનની ટીમના મુખ્ય કોચ રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમ બીજા સત્રમાં ઉપવિજેતા રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

36 વર્ષીય વિલિયમસનને શરૂઆતમાં પાંચમી સિઝન માટે ડરબન સુપર જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને કોચની જવાબદારી સોંપવામાં આવી છે. તેમનું સ્થાન લેનાર ખેલાડીના નામની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

પોતાની પેઢીના શ્રેષ્ઠ બેટરોમાં ગણાતા વિલિયમસન પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વનો વ્યાપક અનુભવ છે. તેમની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડે 2019ના આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ટૂર્નામેન્ટમાં વિલિયમસનને સર્વશ્રેષ્ઠ ખેલાડી ચૂંટવામાં આવ્યા હતા. આ પછી તેમણે 2021માં પ્રથમ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને વિજય અપાવ્યો હતો.

આ નિયુક્તિ સાથે આરપી-સંજીવ ગોયન્કા સમૂહ સાથે વિલિયમસનનો નાતો વધુ મજબૂત થયો છે. ઓક્ટોબર 2025માં તેઓ 2026ની આઈપીએલ સિઝન પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના રણનીતિક સલાહકાર બન્યા હતા. આ સિવાય તેઓ ધ હન્ડ્રેડમાં મેન્ચેસ્ટર સુપર જાયન્ટ્સના પુરુષ બેટિંગ કોચની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

એડેન માર્કરામ ફરી એકવાર, ડરબન સુપર જાયન્ટ્સની કપ્તાની કરશે. તેમણે પાછલી સિઝનમાં પહેલીવાર ટીમનું નેતૃત્વ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande