
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ તામિલનાડુના કાર્તિગઈ દીપમ વિવાદમાં, સર્વોચ્ચ અદાલતના આદેશનું સ્વાગત કર્યું છે. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, અદાલતનો હસ્તક્ષેપ હિન્દુ આસ્થા અને કાયદાના શાસનની પુનઃસ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે તેને તામિલનાડુ સરકાર અને હિન્દુ વિરોધી રાજનીતિ પર કરારો તમાચો ગણાવ્યો.
આલોક કુમારે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે 20 નવેમ્બરે દીપથૂન પર કાર્તિગઈ દીપમ પ્રજ્વલિત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 24 નવેમ્બરે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો ન હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કેટલાક રાજકીય પક્ષો અને વહીવટી તંત્રએ મળીને અદાલતના આદેશને નિષ્પ્રભાવી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતે 28 નવેમ્બરે દીપથૂન પર દીપ પ્રજ્વલિત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
અદાલતે મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરીને, મદ્રાસ ઉચ્ચ અદાલતના બે પૂર્વ ન્યાયાધીશો ન્યાયમૂર્તિ એસ. વૈદ્યનાથન અને ન્યાયમૂર્તિ વી. પાર્થિબનને રિસીવર તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) ને મંદિર અને દરગાહ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ શ્રદ્ધાળુઓને દરગાહથી ઓછામાં ઓછા 50 મીટરના અંતરે દીવા પ્રજ્વલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ન્યાયાલયે તમિલનાડુના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, મધુરાઈના જિલ્લા અધિકારી અને મંદિર ટ્રસ્ટી મંડળના સભ્યોને અવમાનના સંબંધમાં કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. ન્યાયાલયે પ્રથમ દ્રષ્ટિએ 20 નવેમ્બરના આદેશની જાનજોઈને અવહેલના અને મધુરાઈમાં વહીવટી અરાજકતા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી પત્રવ્યવહાર, ઇમેઇલ અને અન્ય સંવાદોની વિગતો પણ માંગી છે.
આલોક કુમારે કહ્યું કે, કોઈ પણ સરકાર, રાજકીય પક્ષ કે વહીવટી અધિકારી ન્યાયતંત્રથી ઉપર હોઈ શકે નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે, તમિલનાડુ સરકાર પોતાની અગાઉની ભૂલોમાંથી બોધપાઠ લેશે અને ભવિષ્યમાં અદાલતના આદેશો તથા હિન્દુ ધાર્મિક પરંપરાઓની અવગણના નહીં થાય. તેમણે કહ્યું કે અવમાનના અરજી પર આગળ સુનાવણી થવાની બાકી છે. સંબંધિત અધિકારીઓએ 15 ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેવાનું છે. એ સ્થિતિમાં અંતિમ ન્યાયિક નિર્ણયની રાહ જોવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મધુરાઈ જિલ્લામાં તિરુપરનકુંડ્રમ પહાડી પર સ્થિત દીપથૂન સ્તંભ પર આદેશ છતાં દીવો ન પ્રગટાવવા પર સર્વોચ્ચ અદાલતે તંત્રને કડક ફિટકાર લગાવી. અદાલતે આજે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. તેનું જાણીજોઈને પાલન કરવામાં આવ્યું નથી. આ અદાલતની અવમાનના છે. અધિકારીઓએ અમારો નહીં, પોતાના રાજકીય આકાઓનો આદેશ માન્યો છે. આવી બંધારણીય ગરબડ સહન કરવામાં આવશે નહીં. અદાલતે કહ્યું કે, 28 નવેમ્બરના રોજ અહીં સીઆરપીએફની સુરક્ષામાં દીવો પ્રગટાવવામાં આવે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે ‘કાર્તિગઈ દીપમ’ નામની વિધિ હેઠળ, પહાડ પર બનેલા દીપથુન સ્તંભ પર દીપ પ્રગટાવવામાં આવે છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે, પહાડ પર હિન્દુ પક્ષ દીપ પ્રગટાવવા માંગતો હતો, પરંતુ તામિલનાડુ સરકારે તેની પરવાનગી આપી નહીં. જ્યારે હિન્દુ પક્ષ સર્વોચ્ચ અદાલત પહોંચ્યો ત્યારે અદાલતે નક્કી કરેલી તારીખે દીપ પ્રગટાવવાનું કહ્યું, પરંતુ તેમ થયું ન હતું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ