
નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.): વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે, નિકાસકારોને એવા દેશોમાં ક્ષેત્ર-વિશિષ્ટ તકોની ઓળખ કરવા અને નિકાસ વધારવા માટે વિદેશી પૂરવઠા સાંકળ વિકસાવવા જણાવ્યું છે, જેની સાથે ભારતે મુક્ત વેપાર કરારો (એફટીએ) લાગુ કર્યા છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે નિકાસકારો, ખાસ કરીને એમએસએમઇ, ખેડૂતો, કારીગરો અને મહિલા સાહસિકોને ભારતના મુક્ત વેપાર કરારો (એફટીએ) હેઠળ મળતી પ્રાથમિક જકાત અને નવા બજારોનો પણ મહત્તમ લાભ લેવા આગ્રહ કર્યો છે.
મંત્રાલયે જણાવ્યું કે, વાણિજ્ય સચિવે 27 નવેમ્બરે જયપુરમાં યોજાયેલી એક સંપર્ક પહેલને સંબોધિત કરવા દરમિયાન આ વાત કહી હતી. અગ્રવાલે આ અવસરે જણાવ્યું કે એફટીએ નિકાસકારો, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) માટે વ્યાપક તકો પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું, તેમણે નિકાસકારોને એફટીએ ભાગીદાર દેશોમાં ક્ષેત્ર-વિશિષ્ટ તકોની ઓળખ કરવા, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા, વિદેશી પૂરવઠા સાંકળ વિકસાવવા અને સીમા-પાર ઇ-કોમર્સ જેવા ઉભરતા માધ્યમોની શોધખોળ કરવા પ્રોત્સાહિત કર્યા.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતે ઓમાન, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન મુક્ત વેપાર સંઘ (ઇએફટીએ) જૂથ સહિત અનેક દેશો સાથે વેપાર કરારો લાગુ કર્યા છે. છ વર્ષ પહેલાં સુધી લગભગ 10 લાખ કરોડ ડોલરના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વાળા વૈશ્વિક બજારો સુધી ભારતની પ્રાથમિક પહોંચ હતી.
મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષોમાં આ એફટીએના માધ્યમથી તેમાં 60 લાખ કરોડ ડોલરનો વધારાનો વિસ્તાર થયો છે, જેનાથી આ આંકડો કુલ મળીને લગભગ 70 લાખ કરોડ ડોલર સુધી પહોંચી ગયો છે. આની સાથે જ આઠથી નવ ભૌગોલિક ક્ષેત્રોમાં ચાલી રહેલી દ્વિપક્ષીય અને બહુપક્ષીય વેપાર વાર્તાઓ સાથે, આગામી એકથી દોઢ વર્ષમાં આ વધીને લગભગ 85 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે, જે વૈશ્વિક જીડીપીના લગભગ 76 ટકા છે.
વાણિજ્ય મંત્રાલય આ કરારોથી મળતી તકો વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્કશોપની એક શૃંખલા યોજી રહ્યું છે. તેનું આયોજન નિકાસકારો, સાહસિકો અને એમએસએમઇને ભારતના મુક્ત વેપાર કરારોથી પેદા થતી તકોથી પરિચિત કરાવવા અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી તેમની પહોંચ વધુ સુગમ બનાવવા માટે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એફટીએ હેઠળ નિકાસની તકોને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આઉટરીચ કાર્યક્રમો અને વર્કશોપ યોજ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ