જામનગરના કાનાલુસમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ક્રિકેટ ટૂર્નામેન્ટ : દીકરીઓ સહિત 13 ટીમોએ ભાગ લીધો, નવાગામ વાડી શાળા વિજેતા
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : લાલપુર તાલુકાના કાનાલુસ ગામે બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘સ્ત્રી શક્તિકરણ’ના સંદેશ સાથે ગ્રામ્ય બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ક્લસ્ટર
ટુર્નામેન્ટ


જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :

લાલપુર તાલુકાના કાનાલુસ ગામે બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘સ્ત્રી શક્તિકરણ’ના સંદેશ સાથે ગ્રામ્ય બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ક્લસ્ટર કક્ષાની ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

આ આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતાની પ્રેરણા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિકુંજભાઈ ખાંટ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર વંદનાબેન જાનીના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાનાલુસ ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડિનેટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સેતાલુસ સ્થિત વિવેકાનંદ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે તેનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું.

ટૂર્નામેન્ટમાં ભાઈઓની 9 ટીમો અને દીકરીઓની 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકગણે આયોજનમાં સક્રિય સહભાગીતા નોંધાવી હતી. કાનાલુસ વાડી શાળાના આચાર્ય દીપેનભાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને મેચોની કોમેન્ટ્રી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સેતાલુસ ગામના સરપંચ અને શાળા એસ.એમ.સી.ના અધ્યક્ષ સામતભાઈ ઠુંગાએ વિજેતા ટીમોની ટ્રોફી તેમજ આશરે 300થી વધુ બાળકોના જમણવારનો ખર્ચ ઉઠાવ્યો હતો. રનર્સ-અપ ટ્રોફી બાબુભાઈ મકવાણા દ્વારા અને ‘મેન ઓફ ધ મેચ’ ટ્રોફી કમલેશભાઈ યાદવ દ્વારા આપવામાં આવી હતી. અન્ય દાતાઓએ પણ રોકડ ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ટૂર્નામેન્ટના અંતે ભાઈઓની કેટેગરીમાં મેઘાવદર પ્રાથમિક શાળાએ વિજેતાપદ હાંસલ કર્યું હતું. દીકરીઓની કેટેગરીમાં નવાગામ વાડી શાળાએ શાનદાર પ્રદર્શન કરીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં કેળવણી નિરીક્ષક પ્રફુલભાઈ બારોટ, વિવિધ શિક્ષણ અધિકારીઓ, ક્લસ્ટરના શિક્ષકગણ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ દાતાઓ, મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરી સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande