
નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.): નવસારી જિલ્લામાં એલસીબી પોલીસે ચીખલી હાઇવે પાસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ બાતમીના આધારે પોલીસ ટીમે ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવીને એક ટેમ્પોને રોક્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.
તલાશી દરમ્યાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 10,512 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 24.36 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું. પોલીસે ટેમ્પો સહિત અન્ય સામાન મળીને કુલ રૂ. 34.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ મામલે પોલીસે ટેમ્પો ચાલક વિનોદ જગરામ કહાર (ઉંમર 42, ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી)ને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને અન્ય સંડોવાયેલા શખ્સો હજુ ફરાર છે. સંજય ઠાકુર સહિત કેટલાક આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે વધુ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે