
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં પણ કોલેરાનો પંજો વિસ્તર્યો હોય તેમ લાલપુર પંથકમાં જ વધુ બે પોઝીટીવ કેસ સાથે કુલ આંકડો અડધો ડઝનને પાર કરી ગયો છે.જયારે હજુ બે શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ બાકી હોવાનુ સામે આવ્યુ છે. લાલપુરના એક પ્રૌઢ મહિલા ઉપરાંત ગ્રામ્યની એક 25 વર્ષીય સર્ગભા યુવતિનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.બીજી બાજુ આરોગ્ય વિભાગની ડઝનબંધ ટીમો દ્વારા ડોર ટુ ડોર સઘન સર્વે સાથે કલોરીન ટેબલેટ સહિતની કામગીરી વેગવંતી બનાવાઇ છે.
શહેર બાદ નાઘેડી અને લાખાબાવળ પંથકમાં કોલેરાનો પગપેસારો થયો હતો.જે બાદ લાલપુર પંથકમાં સપ્તાહના અંતે કોલેરાએ દેખા દિધી હતી.જેમાં દશ વર્ષીય બાળક અને પ્રૌઢ મહિલા પોઝીટીવ જાહેર થયા હતા.જે બાદ લાલપુર શહેરના એક પ્રૌઢ મહિલા ઉપરાંત ગ્રામ્ય પંથકના સગર્ભા યુવતિ પણ પોઝિટીવ જાહેર થયા છે.જેના પગલે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
આરોગ્ય શાખાની વિવિધ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે સહિતની કામગીરી સધન બનાવાઇ છે જેમાં અત્યાર સુધીમાં સમયાંતરે 3,312 ઘરોને આવરી લેવાયા છે જેમાં તબકકાવાર મળી 14,372 જેટલી વસ્તીને આવરી લેવાઇ છે. જે સાથે કલોરીન ટેબલેટસ્, ઓઆરએસ પેકેટસનું વિતરણ કરાયુ હતુ. લાલપુર પંથકમાં 4 સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોલેરા પોઝીટીવનો આંકડો 6 પર પહોચ્યો છે. હાલ બે દર્દી સારવાર હેઠળ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
ગ્રામ્યના કેસમાં લાલપુરની ટ્રાવેલ હિસ્ટ્રી....
લાલપુરના ગ્રામ્ય પંથકના 25 વર્ષીય સર્ગભા યુવતિ કોલેરા પોઝીટીવ જાહેર થયા છે.જેની ટ્રાવેલ હિસ્ટ્રી લાલપુર સંબંધિત હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.તબીબી પરીક્ષણ દરમિયાન પોઝીટીવ જાહેર થતા જરૂરી સધન સારવાર અપાઇ છે.અત્રે ઉલ્લેખનીય છેકે, નાઘેડી અને લાખાબાવળ પંથકના પોઝીટીવ કેસમાં જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનુ અગાઉ સામે આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt