
નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.). ભૂતપૂર્વ રાજદ્વારી તરનજીત સિંહ સંધુએ, બુધવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે લોક નિવાસ ખાતે આયોજિત સમારોહમાં સંધુને દિલ્હીના 23મા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહ્યા હતા.
તરનજીત સિંહ સંધુ, વિનય કુમાર સક્સેનાના સ્થાને આવ્યા છે. સક્સેનાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શપથ લેતા પહેલા સંધુએ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંનેએ જાહેર સેવા અને શાસન સંબંધિત મુદ્દાઓ પર ફળદાયી ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ પાંચ માર્ચે વરિષ્ઠ રાજદ્વારી તરનજીત સિંહ સંધુને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ શ્રીલંકામાં ભારતના હાઇ કમિશનર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના 28મા રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.
તરનજીત સિંહ સંધુનો જન્મ 23 જાન્યુઆરી, 1963ના રોજ પંજાબમાં થયો હતો. તેમણે સનાવરની લોરેન્સ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસમાં બીએની ડિગ્રી મેળવી. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમએની ડિગ્રી મેળવી.
શપથ ગ્રહણ બાદ, દિલ્હીના મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નર સંધુની હાજરીમાં મીડિયાને સંબોધતા કહ્યું, હું લેફ્ટનન્ટ ગવર્નરનું સ્વાગત કરું છું. તમે દિલ્હીની પ્રગતિને વધુ વેગ આપવા માટે અહીં આવ્યા છો. અમને વિશ્વાસ છે કે, તમારી હાજરી દિલ્હીની પ્રગતિને વધુ વેગ આપશે. દિલ્હીની સમસ્યાઓના ઉકેલો વધુ અસરકારક રીતે મળશે. તેમના માર્ગદર્શન હેઠળ, દિલ્હી સરકાર નિર્દેશ મુજબ કાર્ય કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ