ગલ્ફ ક્ષેત્રમાં કટોકટીને કારણે ટી-20 વર્લ્ડ કપ ટીમોની વાપસીમાં વિલંબ: આઈસીસી
નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ, બુધવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લઈ રહેલી કેટલીક ટીમોના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારોની વાપસીમાં વિલંબ થયો
વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ


નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ, બુધવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લઈ રહેલી કેટલીક ટીમોના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારોની વાપસીમાં વિલંબ થયો છે. આઈસીસી એ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં પોતાના અભિયાન પૂર્ણ કરી ચૂકેલા તમામ લોકો શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા ફરવા માંગે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓએ આ અશક્ય બનાવી દીધું છે.

આઈસીસી ના મતે, આ વિલંબ ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટને કારણે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડી છે. ઘણા દેશોમાં એરસ્પેસ બંધ છે, મિસાઇલ ચેતવણીઓ જારી કરવામાં આવી રહી છે, અને ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. વધુમાં, ઘણી કોમર્શિયલ અને ચાર્ટર ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવી છે અથવા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આઈસીસી એ સ્પષ્ટતા કરી હતી કે, આ પરિસ્થિતિઓ તેના નિયંત્રણની બહાર છે, જેના કારણે ખેલાડીઓની મુસાફરી વ્યવસ્થા સામાન્ય કરતાં વધુ જટિલ અને સમય માંગી લે તેવી બને છે.

આઈસીસી એ જણાવ્યું હતું કે, તે તમામ અસરગ્રસ્ત જૂથોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પરત લાવવા માટે વિવિધ દેશોની એરલાઇન્સ, ચાર્ટર ઓપરેટરો, એરપોર્ટ સત્તાવાળાઓ, ગ્રાઉન્ડ હેન્ડલર્સ અને સરકારી એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.

હાલની વ્યવસ્થા મુજબ, દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના સભ્યો આજે રાત્રે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે, અને આગામી 36 કલાકમાં બધા જ રવાના થવાની અપેક્ષા છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના નવ સભ્યો કેરેબિયન માટે રવાના થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 16 સભ્યો આગામી 24 કલાકમાં ભારતથી ઉડાન ભરશે. વધુ પ્રસ્થાન વ્યવસ્થાની પુષ્ટિ થયા પછી આઈસીસી વધારાની માહિતી શેર કરશે.

આઈસીસી એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણયો ફક્ત ખેલાડીઓની સલામતી, વ્યવહારિકતા અને કલ્યાણ પર આધારિત છે. કાઉન્સિલે કેટલાક મીડિયા આઉટલેટ્સમાં ફેલાતી અન્ય અટકળોને સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક ગણાવીને ફગાવી દીધી હતી.

કાઉન્સિલે જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ માટે કરવામાં આવેલી મુસાફરી વ્યવસ્થાનો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અથવા અન્ય કોઈપણ દેશ માટે કરવામાં આવેલી અગાઉની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે દરેક કિસ્સામાં પરિસ્થિતિઓ, મુસાફરીના રૂટ અને ફ્લાઇટ વિકલ્પો અલગ અલગ હોય છે.

આઈસીસી એ પુનરોચ્ચાર કર્યો કે, આ સમયગાળા દરમિયાન ખેલાડીઓ અને તેમના પરિવારોની સલામતી અને સુખાકારી તેમની ટોચની પ્રાથમિકતા છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે મુસાફરીની વ્યવસ્થા સંપૂર્ણપણે સુરક્ષિત ન થાય ત્યાં સુધી કોઈ પ્રસ્થાન કરવામાં આવશે નહીં.

આઈસીસી એ આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન ધીરજ અને સહકાર આપવા બદલ ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ, ક્રિકેટ બોર્ડ અને સહાયક ભાગીદારોનો પણ આભાર માન્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande