

પાટણ, 12 માર્ચ (હિ.સ.) પાટણ અને રાધનપુર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગેસ સિલિન્ડર બુકિંગની સમસ્યાના કારણે એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણના ત્રણ દરવાજા નજીક આવેલી ગેસ એજન્સી પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો સિલિન્ડર માટે લાઈનમાં ઉભા રહેતા નજરે પડ્યા હતા.
ગ્રાહકોના જણાવ્યા મુજબ, ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા છેલ્લા બે દિવસથી યોગ્ય રીતે કાર્ય કરતી નથી. અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ ન થતા લોકો સીધા એજન્સી પર પહોંચવા મજબૂર બન્યા છે, જેના કારણે દિવસભર ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઈ રહી છે.
લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે વૃદ્ધો, મહિલાઓ અને નોકરીયાત લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ, વારંવાર સર્વર ડાઉન હોવાની વાત કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ જોવા મળતું નથી.
એજન્સીના સંચાલક અર્જુન યોગીએ જણાવ્યું કે કંપનીના નિયમ અનુસાર છેલ્લી રિફિલ ડિલિવરી લીધા બાદ 25 દિવસ પછી જ નવું બિલ બનશે. વધુમાં અગાઉ 6 ગાડીઓ આવતી હતી તેની જગ્યાએ હાલ માત્ર 3 ગાડીઓ જ આવતી હોવાથી સપ્લાય પર પણ અસર પડી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ