ગાંધીનગર મનપા અને EFI ના સંયુક્ત પ્રયાસોથી કોલવડા તળાવનું પુનઃ નવિનીકરણ: પાણીની સંગ્રહક્ષમતામાં 30% નો વધારો
ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવતા, ''એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા'' (EFI) ના સહયોગથી કોલવડા સ્થિત ઐતિહાસિક તળાવનું પુનઃ નવિનીકરણ કરવામાં આવ્યું છે. કોલવડા ઇન્દિરા
કોલવડા તળાવનું પુનઃ નવિનીકરણ


ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવતા, 'એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા' (EFI) ના સહયોગથી કોલવડા સ્થિત ઐતિહાસિક તળાવનું પુનઃ નવિનીકરણ કરવામાં આવ્યું છે. કોલવડા ઇન્દિરા આવાસ પાસે 5.42 એકર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનર્જીવિત કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક જળસ્તર ઊંચા આવવાની સાથે જૈવવિવિધતામાં પણ વધારો થશે.

અગાઉ આ તળાવ જંગલી ઝાડી-ઝાખરા, માટીના ધોવાણ અને કચરાના કારણે અત્યંત બિસ્માર હાલતમાં હતું. નવિનીકરણની પ્રક્રિયા દરમિયાન તળાવમાંથી અંદાજે 2 ટનથી વધુ બિનજરૂરી કચરો અને નુકસાનકારક જંગલી વનસ્પતિઓ જેવી કે Neltuma juliflora, Achyranthus, અને Argemone maxicana ને દૂર કરી સંપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

તળાવના 580 મીટર લાંબા કાંઠાને 'ડબલ પાળા' (Dual Embankment) પદ્ધતિથી સુરક્ષિત કરવામાં આવ્યો છે. 29000 ઘનમીટરથી વધુ ડિસીલ્ટીંગ (કાંપ કાઢવાની પ્રક્રિયા) કરવાને કારણે તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં 30% નો માતબર વધારો થયો છે. અગાઉ 39000 ઘનમીટરની ક્ષમતા ધરાવતું આ તળાવ હવે 69000 ઘનમીટર પાણીનો સંગ્રહ કરવા સક્ષમ બન્યું છે.

કુદરતી સંતુલન જળવાઈ રહે તે હેતુથી તળાવમાં સ્થાનિક અને વિદેશી પક્ષીઓ માટે ત્રણ 'નેસ્ટીંગ આયલેન્ડ' (માળાઓ માટેના ટાપુ) બનાવવામાં આવ્યા છે. આ આયલેન્ડ્સ કાળી કાંકણસાર, સફેદ કાંકણસાર, લટોરો, તુતવારી, નાની ડુબકી, ટીટોડી, બગલો અને કંસારો જેવા પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનશે.

જાહેર કુદરતી સંપદાના લાંબા ગાળાના સંરક્ષણ માટે તળાવની 300 મીટરની પેરીફેરીમાં મજબૂત ફેન્સિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં વિસ્તારના ભૂગર્ભ જળ રિચાર્જિંગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande