અમદાવાદની સાબરમતી નદી 1 એપ્રિલ થી 15 જૂન સુધી ખાલી રહેશે, અઢી મહિનામાં સુભાષ બ્રિજના સ્ટ્રક્ચરને તોડશે
અમદાવાદ, 12 માર્ચ (હિ.સ.) : અમદાવાદ શહેરના ટ્રાફિકને ગાંધીનગર જોડનાર સુભાષબ્રિજમાં સ્પાન બેસી જવાના કારણે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુભાષ બ્
અમદાવાદની સાબરમતી નદી 1 એપ્રિલ થી 15 જૂન સુધી ખાલી


અમદાવાદ, 12 માર્ચ (હિ.સ.) : અમદાવાદ શહેરના ટ્રાફિકને ગાંધીનગર જોડનાર સુભાષબ્રિજમાં સ્પાન બેસી જવાના કારણે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સુભાષ બ્રિજના નીચે સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.

આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીમાં પાણી બંધ રાખવામાં આવનાર હોવાના કારણે અઢી મહિનામાં સુભાષ બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે. જેના માટે ડિમોલિશન ડિઝાઇન પણ મંજૂરી માટે મોકલવામાં આવી છે. જે બાદ એપ્રિલ મહિનાથી સ્ટ્રકચર તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજનો સ્પાન બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજને તોડીને નવો બનાવવા તેમજ પહોળો કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. તાજેતરમાં જ શાસક પક્ષ ભાજપની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં 235 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આગામી જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષ બ્રિજ શરૂ કરવાનો હોવાના કારણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સુભાષ બ્રિજ કલેકટર ઓફિસ તરફના છેડા પાસે બ્રિજ અને ડિમોલિશન કરવા માટે તેના અલગ અલગ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ જમીન તપાસ એટલે કે સોઇલ ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત હોવાના પગલે તેની કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાની હોવાના કારણે તેના જમીનની માપણી શરૂ કરવામાં આવી છે. નવા પાયા કેટલા ઊંડા બનાવવા પડશે અને બ્રિજનો લોડ કેટલો રાખવાનો વગેરે અંગે ટેસ્ટિંગ કામગીરી શરૂ થઈ ચૂકી છે.

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીને ખાલી કરવામાં આવનાર છે. ચાલુ વર્ષે ડેમ સેફ્ટી' અંતર્ગત કરવામાં આવેલા પ્રી-મોન્સુન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના કુલ 30 ગેટ પૈકી 18 નવા ગેટ્સ બનાવવા તેમજ અન્ય ગેટ્સમાં જરૂરી મરામત કરવાની ભલામણ કરવામાં આવી છે. બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવાની હોવાથી આ સમયગાળા દરમિયાન વાસણા બેરેજ ખાલી રાખવામાં આવશે. તેથી સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવશે.

બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાસણા બેરેજના દરવાજા નવા નાખવાના તેમજ રીપેરીંગની કામગીરી દરમિયાન સાબરમતી નદી ખાલી કરવાની હોવાથી આ અઢી મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના છ જેટલા સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. બ્રિજનો તૂટેલો ભાગ નદીમાં પડતો હોવાથી સાબરમતી નદીમાં પાણી હોય ત્યારે કામગીરી ન કરી શકાય જેથી નદી ખાલી હોવાનો ફાયદો લઈને આ સમયગાળા દરમિયાન સ્ટ્રક્ચરને તોડવા માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નદીમાં પાણી ચાલુ હશે ત્યારે સ્ટ્રક્ચર બનાવવા માટેની કામગીરી થઈ શકે છે. જેથી ડિમોલિશનની કામગીરી ત્રણ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande