
પાટણ, 12 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લા આયોજન મંડળની તાજેતરની બેઠકમાં વર્ષ 2026-27 માટે વિવિધ વિકાસ યોજનાઓને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લાના વિકાસને ગતિ આપવા કુલ રૂ. 1196.18 લાખના 533 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2026-27 માટે જિલ્લામાં રૂ. 1220 લાખની ગ્રાન્ટ સામે રૂ. 1266.38 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગના કાર્યોને મંજૂરી મળી છે. વિવિધ વિભાગો દ્વારા માર્ગ, પાણી, કૃષિ સહિતની આધારભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિભાગવાર વિગતો મુજબ સામાન્ય વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. 921.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 964.93 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 915.33 લાખના કુલ 433 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
ખાસ અંગભૂત યોજના હેઠળ રૂ. 131 લાખની ગ્રાન્ટ સામે રૂ. 139.10 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂ. 135.60 લાખના 71 કાર્યોને મંજૂરી મળી છે. આ ઉપરાંત પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. 22.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 15 લાખના 6 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ. 125 લાખની ગ્રાન્ટમાંથી રૂ. 110.25 લાખના 16 કાર્યોને મંજૂરી મળી છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે રૂ. 20 લાખની ગ્રાન્ટ હેઠળ 7 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
તાલુકાવાર આયોજન મુજબ પાટણ તાલુકામાં સામાન્ય જોગવાઈ હેઠળ 71 કામો રજૂ થયા હતા જેમાંથી 69 કામોને રૂ. 138.25 લાખની મંજૂરી આપવામાં આવી છે. ખાસ અંગભૂત જોગવાઈ હેઠળ 14 કામોને રૂ. 25.50 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ચાણસ્મા તાલુકામાં 66 કામોમાંથી 60 કામોને રૂ. 90 લાખની મંજૂરી મળી છે જ્યારે 6 કામો બાકી રાખવામાં આવ્યા છે. ખાસ અંગભૂત યોજના હેઠળ 11 કામોને રૂ. 16 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. સરસ્વતી તાલુકામાં 63 કામોના આયોજનમાંથી 58 કામોને રૂ. 100 લાખની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સિદ્ધપુર તાલુકામાં 56 કામોમાંથી 55 કામોને રૂ. 103.50 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. હારીજ તાલુકામાં 41 કામોમાંથી 38 કામોને રૂ. 79.68 લાખ મંજૂર થયા છે જ્યારે સમી તાલુકામાં 40 કામોમાંથી 38 કામોને રૂ. 102.50 લાખની મંજૂરી મળી છે. બંને તાલુકામાં થોડા કામો બાકી રાખવામાં આવ્યા છે. શંખેશ્વર તાલુકામાં રજૂ થયેલા તમામ 51 કામોને રૂ. 84.90 લાખની મંજૂરી મળી છે. જ્યારે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં અનુક્રમે 31 અને 33 કામોને મંજૂરી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ