જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ૪ નવા ધન્વંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન
જૂનાગઢ, 15 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્ય
જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની


જૂનાગઢ, 15 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે આ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના સૂત્રને સાર્થક કરવાના હેતુથી કાર્યરત આ યોજના હેઠળ હવે બાંધકામ સાઈટ, કડિયાનાકા અને શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ નવીન ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ દવાઓ અને તબીબી સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.

આ રથ દ્વારા જિલ્લાના દરેક બાંધકામ શ્રમિકને આરોગ્યપ્રદ સેવાઓ મળે તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરે ૧ અને કેશોદ તથા વિસાવદર ખાતે ૧-૧ મળી કુલ ૩ રથ કાર્યરત હતા. હવે મેંદરડા, માણાવદર, માંગરોળ અને જૂનાગઢ શહેર માટે ફાળવવામાં આવેલા નવા ૪ રથ સાથે જિલ્લામાં કુલ ૭ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત થયા છે, જે સમગ્ર જિલ્લાને આવરી લેશે.

વધુમાં, શ્રમિકો સરકારની શિક્ષણ, સહાય, પ્રસુતિ સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને ગો-ગ્રીન યોજનાની માહિતી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર ૧૫૫૩૭૨ કાર્યરત પણ છે. તેના થકી શ્રમિકો જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.

આ સેવાથી શ્રમિકોને હોસ્પિટલ સુધી લાંબા થવાને બદલે તેમના કાર્યસ્થળે જ નિદાન અને સારવાર મળી રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર શ્રી સમીરભાઈ રાવલ, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકી, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા નિરીક્ષક એમ.ડી. કક્કડ, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર પી.એમ. ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande