




- ગુમ થયેલ મહિલાની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી હાલતમાં મળી
ભરૂચ 15 માર્ચ (હિ.સ.) : નેત્રંગ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા થોડા સમયથી લાપતા મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા ઈસમે મહિલાનું ગળું ટૂંપો દઈ ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દીધી હોવાનું બહાર આવ્યું છે.
કપડાં પરથી પરિવારે કરી ઓળખ
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને એક મહિલાનો મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ લાપતા મહિલાના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પતિ અને પુત્રોએ લાશ પર રહેલા કપડાંના આધારે તે મૃતદેહ હસુમતીબેનનો હોવાની ઓળખ કરી હતી. આ ઓળખ થતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
હત્યા બાદ લાશને દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈને કરપીણ હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીએ ગુનાના પુરાવા મિટાવવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી જમીનમાં ખાડો ખોદી દાટી દીધી હતી. જોકે, આખરે સત્ય બહાર આવ્યું હતું અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને આ ગુનામાં કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ