
બ્રસેલ્સ (બેલ્જિયમ), નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.): ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સાયપ્રસના વિદેશ મંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસે, અહીં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જયશંકરે પોતાના એક્સ હેન્ડલ પર એક ફોટો શેર કરતા કહ્યું, આજે બ્રસેલ્સમાં સાયપ્રસના વિદેશ મંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસને મળીને ખૂબ આનંદ થયો.
તેમણે એક્સ પર લખ્યું, અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. અમે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે જોડાણને આગળ વધારવામાં સાયપ્રસના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.
વિદેશ મંત્રી જયશંકરે યુરોપિયન યુનિયન સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત માટે રવિવારે બ્રસેલ્સની બે દિવસીય મુલાકાત શરૂ કરી. જાન્યુઆરીમાં બંને પક્ષો વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર થયા પછી ભારતની બ્રસેલ્સની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. બ્રસેલ્સ યુરોપિયન યુનિયનનું મુખ્ય મથક છે.
યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કૈલાસના આમંત્રણ પર જયશંકર બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા છે. યુરોપિયન યુનિયનમાં 27 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, જયશંકર યુરોપિયન યુનિયનના પ્રમુખ અને બેલ્જિયમ અને અન્ય સભ્ય દેશોના વિદેશ પ્રધાનોને પણ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ