
મહેસાણા,, 18 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે PM CARES for Children યોજના અંતર્ગત કોવિડ-19 મહામારી દરમિયાન માતા-પિતાને ગુમાવનાર લાભાર્થી બાળકો સાથે વન ટુ વન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવા બાળકોની હાલની પરિસ્થિતિ, શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય અંગેની જરૂરિયાતોને નજીકથી સમજવાનો હતો.
આ પ્રસંગે અધિકારીઓએ દરેક બાળક સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની સમસ્યાઓ, અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ તેમજ અન્ય જરૂરિયાતોની માહિતી મેળવી હતી. બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમની સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
PM CARES for Children યોજના અંતર્ગત બાળકોને શિક્ષણ, આરોગ્ય, વીમા તેમજ આર્થિક સહાય જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાવલંબી બની શકે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા બાળકો માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે અને તેમની પ્રગતિ માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સંવાદ કાર્યક્રમથી બાળકોમાં વિશ્વાસ અને ઉત્સાહ વધ્યો હતો તથા તેઓને તંત્રનો સહારો મળ્યાની લાગણી અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR