
મહેસાણા,18 માર્ચ (હિ.સ.) આંબલીયાસણ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત શક્તિ કેન્દ્રોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનાત્મક કાર્યને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો. આ બેઠકમાં શક્તિ કેન્દ્ર સંયોજકો, પ્રભારીશ્રીઓ, બૂથ સમિતિના સભ્યો, જિલ્લા અને તાલુકા સ્તરના સદસ્યો, આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મહેસાણા તાલુકાના પ્રભારી અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનના વિસ્તરણ, બૂથ સ્તરે સક્રિયતા વધારવા, સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી હતી.
ભરતભાઈ પટેલે કાર્યકર્તાઓને સંગઠન પ્રત્યે નિષ્ઠા રાખી સક્રિય રીતે કામ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બૂથ મજબૂત હોય તો સંગઠન વધુ શક્તિશાળી બને છે, તેથી દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારમાં વધુ લોકો સાથે જોડાવું જોઈએ.
આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને પ્રચારની વ્યૂહરચના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR