
મહેસાણા,18 માર્ચ (હિ.સ.) ભારત જનગણના-2027ની તૈયારીઓના ભાગરૂપે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયત કચેરી મહેસાણા ખાતે શહેરી વિસ્તારના માસ્ટર ટ્રેનર્સ દ્વારા ફિલ્ડ ટ્રેનર્સને ત્રણ દિવસીય તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો મુખ્ય હેતુ જનગણનાની પ્રક્રિયા સુચિત અને સચોટ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
તાલીમ દરમિયાન ટ્રેનર્સને ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ડિજિટલ સાધનોનો ઉપયોગ, ડેટાની ચોકસાઈ જાળવવી તેમજ નાગરિકો સાથે સંવાદ કરવાની રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ જનગણના સંબંધિત નિયમો, માર્ગદર્શિકા અને ટેક્નિકલ બાબતો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જનગણના દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને યોગ્ય માહિતીના આધારે જ સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે. તેથી દરેક ટ્રેનરને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની સૂચના આપવામાં આવી છે.
આ તાલીમથી ફિલ્ડ ટ્રેનર્સ વધુ સજ્જ બનીને કાર્ય કરશે અને જનગણના-2027ને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR