
પાટણ, 19 માર્ચ (હિ.સ.) દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ હિઝ હોલીનેસ ડૉ. સૈયદના સાહેબે મુંબઈમાં ઈદની નમાજ બાદ સિદ્ધપુરમાં ‘અલ જામિયા તઉસ સૈફિયાહ’ જેવી વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
આ સંસ્થા પહેલેથી સુરત, મુંબઈ અને નૈરોબી જેવા શહેરોમાં કાર્યરત છે અને હવે સિદ્ધપુરમાં પણ તેનું નિર્માણ થશે. આ જાહેરાત બાદ સિદ્ધપુર સહિત દેશ-વિદેશમાં વસતા વ્હોરા સમાજે ઉત્સાહપૂર્વક આવકાર વ્યક્ત કર્યો હતો.
સિદ્ધપુરના સ્થાનિક વ્હોરા સમાજે ફટાકડા ફોડી અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ખુશી વ્યક્ત કરી હતી. દેશ-વિદેશમાં વસતા સિદ્ધપુરના મૂળ વતનીઓએ પણ આ નિર્ણયને અભિનંદન આપ્યા હતા.
આ સંસ્થામાં ધાર્મિક તથા આધુનિક શિક્ષણનો સમન્વય કરવામાં આવશે. વિશ્વભરના વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા દ્વારા પસંદ થઈને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકશે, જે વાલીઓ માટે ગૌરવની બાબત માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટથી સિદ્ધપુરને વૈશ્વિક ઓળખ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. હાલની શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ સાથે વેપાર-ધંધા અને રોજગારના નવા અવસર ઊભા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ