
મથુરા, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, આજે તેમના પ્રવાસના બીજા દિવસે વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા, જ્યાં તેઓ પ્રેમાનંદ મહારાજને મળ્યા અને વાતચીત કરી. રાષ્ટ્રપતિની મુલાકાત માટે સમગ્ર મથુરા-વૃંદાવન ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ સવારે 7:30 વાગ્યે કડક સુરક્ષા હેઠળ આશ્રમ પહોંચ્યા.
પ્રેમાનંદ મહારાજે, રાષ્ટ્રપતિને વ્રજનો મહિમા અને સેવાની ભાવનાનું મહત્વ સમજાવ્યું. આ આધ્યાત્મિક મુલાકાતે માત્ર વ્રજના રહેવાસીઓનું જ નહીં પરંતુ દેશભરના ભક્તોનું પણ ધ્યાન ખેંચ્યું છે. આશ્રમમાં પહોંચ્યા પછી, પ્રેમાનંદ મહારાજના શિષ્યો અને મંડળ દ્વારા રાષ્ટ્રપતિનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને પૂજ્ય મહારાજ વચ્ચે વાતચીત થઈ.
આ બેઠક દરમિયાન આધ્યાત્મિકતા, નિઃસ્વાર્થ સેવા અને જન કલ્યાણ જેવા ગહન વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ નીમ કરોલી બાબાના સ્મારકની પણ મુલાકાત લેશે. સાંજે તેઓ, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ ખાતે એક નવા ઓન્કોલોજી બ્લોકનું ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ, સાધ્વી ઋતંભરા દ્વારા સ્થાપિત સંસ્થા, વાત્સલ્ય ગ્રામ ખાતે પણ રોકાશે. તેમની મુલાકાત 21 માર્ચે ગોવર્ધનના દંગહાટી મંદિરમાં પ્રાર્થના સાથે પૂર્ણ થશે. તેઓ નવી દિલ્હી જતા પહેલા પરંપરાગત સાત માઇલ ગોવર્ધન પરિક્રમા કરશે.
રાષ્ટ્રપતિની મથુરા અને વૃંદાવનની મુલાકાતને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સુરક્ષા કારણોસર અને આતંકવાદી સંગઠનો તરફથી સંભવિત ખતરાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે, સમગ્ર જિલ્લાને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ પ્રતિબંધ મથુરા જિલ્લાની સીમાઓમાં 19 માર્ચે સવારે 10 વાગ્યાથી અમલમાં આવશે અને 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, જિલ્લામાં ડ્રોન, પતંગ કે કોઈપણ પ્રકારના ફુગ્ગા ઉડાડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેશ કુમાર / મહેશ પટારિયા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ