
તેહરાન, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.): ઈરાને મધ્ય પૂર્વમાં ઇઝરાયલી અને અમેરિકન યુનિવર્સિટીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે. દરમિયાન, યમનના હુતી બળવાખોરોએ ઈરાનના સમર્થનમાં, ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાને કહ્યું છે કે, ઈઝરાયલ અને અમેરિકા સતત દેશ પર હુમલો કરી રહ્યા છે અને બુશેહર પ્રાંત અને ખુઝેસ્તાન પ્રાંતમાં થયેલા હુમલાઓનો બદલો લેવામાં આવશે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, બુશેહર પ્રાંતમાં અમેરિકા અને ઈઝરાયલી હુમલામાં એક પરિવારના ચાર સભ્યો માર્યા ગયા હતા. બંને દેશોએ ખુજેસ્તાન પ્રાંતમાં એક પાણીની સુવિધા પર પણ હુમલો કર્યો હતો. જવાબમાં, તેહરાને મધ્ય પૂર્વમાં ઇઝરાયલી અને અમેરિકન યુનિવર્સિટીઓ સામે બદલો લેવાની ધમકી આપી છે. વધુમાં યમનના હુતી બળવાખોરોએ, ઈઝરાયલ પર બીજો મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે.
અલ જઝીરાનો દાવો છે કે, તેલ અવીવ, ઈઝરાયલ અને અમેરિકન શહેરોમાં વિરોધ પ્રદર્શનકારીઓ ઈરાન સામેના યુદ્ધનો વિરોધ કરવા માટે રેલીઓ યોજી રહ્યા છે. દરમિયાન, લેબનોનમાં, લોકો ઈઝરાયલી હુમલામાં ત્રણ પત્રકારોની હત્યાના વિરોધમાં બેરૂતની શેરીઓમાં ઉતરી આવ્યા છે. ઈરાનના બદલો લેવાના હુમલાઓથી ઈઝરાયલ અને ખાડી ક્ષેત્રમાં જાનમાલનું નુકસાન થયું છે. એલ્યુમિનિયમ બહેરીન અને અમીરાત ગ્લોબલ એલ્યુમિનિયમે તેમની સુવિધાઓ પર હુમલાઓની જાણ કરી છે.
ઈરાનના પ્રેસ ટીવીએ જણાવ્યું હતું કે, શનિવારના હુમલામાં ઈઝરાયલી રડાર સેન્ટર અને એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલો ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી), ઈરાની સૈન્ય અને મધ્ય પૂર્વમાં તેહરાનના સાથીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે, આઈઆરજીસી એ એક અમેરિકન એમકયુ-9 ડ્રોનને તોડી પાડ્યું હતું અને એક એફ-16 ફાઇટર જેટને પણ નિશાન બનાવ્યું હતું.
ઈરાની સૈન્યએ, બંદર શહેર હાઈફામાં ઈઝરાયલી લશ્કરી એરોસ્પેસ સંકુલમાં સ્થિત ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને રડાર સેન્ટરને નિશાન બનાવ્યું હતું. આ કેન્દ્ર ઈઝરાયલી સંરક્ષણ ટેકનોલોજી કંપની દ્વારા ચલાવવામાં આવે છે. ડેવિડ બેન ગુરિયન એરપોર્ટ પર એક ઈંધણ સંગ્રહ સુવિધાને પણ નિશાન બનાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ