પ્રવર્તમાન વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- ગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો ગાંધીનગર, 31 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- ગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો

ગાંધીનગર, 31 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્ર સંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસ, સાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી છે. અહી મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો 'ત્રિવેણી' સંગમ રચાય છે, જે ભારતીય સભ્યતાનો પાયો છે. આ ત્રિવેણીને અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વડાપ્રધાનએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતનો સમૃદ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુઝિયમ દ્વારા આવનારી સદીઓ માટે સાચવવામાં આવી રહ્યો છે. જે નવી પેઢીને સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુઝિયમ જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર છે.

આ સંગ્રહાલયના સર્જનમાં સહયોગ આપનાર તમામ જૈન મુનિઓ અને સમર્પિત નાગરિકોને વડાપ્રધાનએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમ્રાટ સંપ્રતિના ઐતિહાસિક મહત્વ વિશે કહ્યું હતું કે, ઘણી સંસ્કૃતિઓએ મહાન ચિંતકો અને દાર્શનિકો આપ્યા છે. જ્યારે સવાલ સત્તા અને સત્યનો હોય છે, ત્યારે અનેક શાસકોએ સત્તા લાલસા માટે આદર્શો અને મૂલ્યોને બાજુમાં મૂકી દીધા હતા, જેથી વિચાર અને વ્યવહાર વચ્ચે ખાઈ વધી ગઈ. તેમણે કહ્યું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર ઐતિહાસિક રાજા ન હતા પરંતુ ભારતના દર્શન અને અભ્યાસને જોડતો સેતુ હતા.

વડાપ્રધાનએ સંગ્રહાલયની ભવ્યતા વિશે જણાવ્યું હતું કે, અહી આવેલી સાત ગેલેરીઓ રાષ્ટ્રની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવે છે. જેમાં નવપદ એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સાથે તીર્થંકરોની વાર્તાઓ અને ઉપદેશોને કલાત્મક રીતે જીવંત કરે છે. તેમણે કહ્યું કે, જ્યારે જ્ઞાન 'સમ્યક' હોય છે, ત્યારે તે સમભાવ અને સેવાનો પાયો બને છે.

આ મ્યુઝિયમ જૈન વારસાની સાથે ભારતની અન્ય ધાર્મિક પરંપરાઓ - વૈદિક, બૌદ્ધ અને અન્યનું પણ ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. વેદ, પુરાણ, આયુર્વેદ, યોગ અને દર્શનની સુમેળપૂર્વકની પ્રસ્તુતિ તમામ પરંપરાઓના મેઘધનુષને એકસાથે રજૂ કરે છે. આ માત્ર ભારતમાં જ થઈ શકે છે.

પ્રવર્તમાન વૈશ્વિક અસ્થિરતા અને અશાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, આ સંગ્રહાલયમાં સ્થાપિત વારસો અને સંદેશ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાંથી મહત્તમ જિજ્ઞાસુ મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને રિસર્ચર આ સંગ્રહાલયની મુલાકાતે આવે અને તેઓ ભારત અને જૈન ધર્મના શાંતિના ઉપદેશોને વિશ્વના ખૂણે-ખૂણે લઈ જાય તેવો વડાપ્રધાનશ્રીએ અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનએ કહ્યું હતું કે, દેશની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા લાખો હસ્તપ્રતોથી ભરેલી હતી, જેને ધાર્મિક સંકુચિતતાથી પ્રેરાઈને વિદેશી આક્રમણકારો દ્વારા નાશ કરવામાં આવી હતી. તે મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોએ પેઢી દર પેઢી બાકીની હસ્તપ્રતો સાચવી રાખી હતી. આવી હસ્તપ્રતોને આચાર્ય ભગવંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે ૬૦ વર્ષ પદવિહાર કરીને દેશના ખૂણે-ખૂણે હસ્તપ્રતોની શોધમાં વિતાવ્યા હતા. તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો, જેમાંથી કેટલીક સેંકડો વર્ષ જૂની છે, જે આ મ્યુઝિયમમાં સુરક્ષિત રીતે સંકલિત છે, જે ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે પ્રેરક સ્મારક સમાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આજે દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવા, સમજવા અને પ્રદર્શિત કરવાના પ્રયાસો પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર અને તીર્થસ્થાનોના વિકાસથી લઈને આયુર્વેદ અને યોગના પ્રચાર સુધી દરેક સ્તરે ચાલી રહ્યા છે. લોથલ ખાતેના વિશ્વના સૌથી મોટા ભવ્ય મેરીટાઇમ મ્યુઝિયમ, વડનગર ખાતેના મ્યુઝિયમ અને દિલ્હીમાં આગામી 'યુગે યુગીન ભારત મ્યુઝિયમ' સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ભારતની સ્વતંત્રતા સંગ્રામના સાચા ઇતિહાસને રાજકીય પૂર્વગ્રહથી મુક્ત રીતે બહાર લાવવા માટે અર્થપૂર્ણ અને વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે વારસાને રાજકીય લેન્સથી જોવાની માનસિકતાનો અંત લાવ્યો છે અને 'સબકા સાથ, સબકા વિકાસ' ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ, જે વિકસિત ભારતના વિઝનનો આત્મા છે.

વડાપ્રધાને ભારતના વારસાને સાચવવા માટે સંતોના અથાક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં ઐતિહાસિક 'નવકાર મહામંત્ર દિવસ' કાર્યક્રમને યાદ કર્યો હતો, જ્યાં જૈન સંપ્રદાયો એકઠા થયા હતા. તેમણે તે પ્રસંગે આપેલા ૧૦ સંકલ્પોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પાણી બચાવવું, એક પેડ મા કે નામ, સ્વચ્છતા અભિયાન, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, યોગ અને રમતગમત, ગરીબોને મદદ કરવી અને ૧૦મો સંકલ્પ જે સમુદાય દ્વારા જ ઉમેરવામાં આવ્યો છે તે ભારતના વારસાનું જતન કરવું.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ વર્ષ ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનઃજાગરણનું વર્ષ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક વિશ્વભરના જૈનો માટે સૌથી મોટો ઉત્સવ છે. આ પાવન અવસરે તીર્થધામમાં વડાપ્રધાનના વરદ હસ્તે ભવ્ય 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ એ વિશેષ આનંદ પ્રદાન કરે છે. આ ભારતની સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરતી એક મહાન ઘટના છે. આ મ્યુઝિયમમાં સુંદર કલાકૃતિઓ, જૈન તીર્થંકરોની મનોહર પ્રતિમાઓ, વેદ, પુરાણ, આયુર્વેદ અને હજારો વર્ષોની હસ્તપ્રતો આપણી આધ્યાત્મિક ચેતનાનો સંગમ છે.

સંઘવીએ કહ્યું હતું કે, પદ્મસાગર સુરીશ્વરજી મહારાજે દાયકાઓ સુધી પદવિહાર કરીને આ વારસાનું નિર્માણ કર્યું છે. વાસ્તવમાં આ આપણી સંસ્કૃતિની રક્ષાનો મહાયજ્ઞ છે. જૈન સમાજની સંસ્કૃતિ અને સંસ્કાર આ મ્યુઝિયમમાં ભવ્ય રીતે નિર્મિત છે.

આ અવસરે આચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજીએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પોતાના ભવ્ય ભૂતકાળના ગૌરવને વર્તમાન બનાવી રહ્યો છે. દેશનું સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી જેવા ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન, લક્ષ્યને સાથે રાખીને ચાલનાર વડાપ્રધાન મળ્યા છે. વડાપ્રધાનએ રાષ્ટ્રના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, વડાપ્રધાનમાં સાધુ અને ગૃહસ્થીના ગુણોનો સમન્વય જોવા મળે છે. ભારતની રાજગાદી દિલ્હીમાં અનેક શાસકો આવ્યા અને ગયા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાસન ધુરા સંભાળવાની સાથે સાથે નગરિકોના દિલ પર પણ રાજ કર્યું છે. ભયંકર યુદ્ધ હોય કે કોરોના જેવી કપરી મહામારી હોય, વડાપ્રધાનના સચોટ માર્ગદર્શનથી દેશનો નાગરિક અને વિરાસત આજે સુરક્ષિત રહ્યા છે.

આ પ્રસંગે જૈન સાધુ-સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ધારાસભ્યઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande