
રબાત, નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ.): મોરોક્કોની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ વાલિદ રેગ્રાગુઈએ, ગુરુવારે 2026 ફિફા વર્લ્ડ કપના થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમના ભવિષ્ય અંગે અઠવાડિયાથી અટકળો ચાલી રહી હતી, જેના કારણે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. રેગ્રાગુઈએ તેમના રાજીનામાનું કારણ થાક હોવાનું જણાવ્યું.
50 વર્ષીય રેગ્રાગુઈએ, 2022 ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોને ઐતિહાસિક સેમિફાઇનલમાં પહોંચાડ્યું, જે કોઈપણ આફ્રિકન દેશ દ્વારા અત્યાર સુધીનો શ્રેષ્ઠ વર્લ્ડ કપ પ્રદર્શન છે. વધુમાં, આ વર્ષના જાન્યુઆરીમાં, તેમણે આફ્રિકા કપ ઓફ નેશન્સની ફાઇનલમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં મોરોક્કો સેનેગલ સામે હારી ગયું હતું.
મીડિયા અહેવાલો અનુસાર મોહમ્મદ ઔહબી, હવે મોરોક્કન ટીમની કમાન સંભાળી શકે છે. ગયા વર્ષે ચિલીમાં આયોજિત અંડર-20 વર્લ્ડ કપમાં મોરોક્કોની જીતમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સપ્ટેમ્બર 2022 માં કોચ બન્યા પછી, રેગ્રાગુઈનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન, મોરોક્કોએ 49 માંથી 36 મેચ જીતી, 8 ડ્રો કરી અને ફક્ત 5 હારનો સામનો કરવો પડ્યો. આ સમયગાળા દરમિયાન, ટીમે રાષ્ટ્રીય ટીમોમાં સૌથી વધુ સતત જીતનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો, જૂન 2024 થી ડિસેમ્બર 2024 વચ્ચે સતત 19 જીત નોંધાવી.
રેગ્રાગુઈ જાન્યુઆરીમાં વિવાદાસ્પદ નેશન્સ કપ ફાઇનલ હાર બાદ, રાજીનામું આપવા માંગતા હોવાનું કહેવાય છે. લગભગ ચાર વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યા પછી તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હતા. જોકે, મોરોક્કન ફૂટબોલ એસોસિએશને તેમને નવા કોચની પસંદગી ન થાય ત્યાં સુધી આ પદ પર રહેવા વિનંતી કરી.
મોરોક્કો આ મહિને બે આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ટીમ 27 માર્ચે મેડ્રિડમાં ઇક્વાડોરનો સામનો કરશે, ત્યારબાદ ચાર દિવસ પછી ફ્રાન્સના લેન્સમાં પેરાગ્વે સામે મેચ રમશે.
આગામી ફીફા વર્લ્ડ કપ 2026 માટે મોરોક્કોને બ્રાઝિલ, સ્કોટલેન્ડ અને હૈતી સાથે ગ્રુપ સી માં મૂકવામાં આવ્યું છે.
મોરોક્કોના કેપ્ટન અશરફ હકીમીએ સોશિયલ મીડિયા પર રેગ્રાગુઈનો આભાર માનતા કહ્યું કે, તેમના નેતૃત્વ, જુસ્સા અને વિઝનથી દેશ અને વિશ્વભરના ખેલાડીઓ તેમજ ચાહકોને પ્રેરણા મળી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ