
કોલકતા, નવી દિલ્હી, 8 માર્ચ (હિ.સ.): મતદાર યાદી સુધારણાના મુદ્દા પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે સતત બીજા દિવસે કોલકતાના ધર્મતલા ખાતે ધરણા પર બેઠા. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર બંગાળના મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો.
ચૂંટણી પંચની પૂર્ણ બેન્ચની કોલકાતાની પ્રસ્તાવિત મુલાકાત પહેલા જ વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. આ વિરોધ પ્રદર્શન દરરોજ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી થઈ રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે 2026 ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના ખાસ ઊંડાણપૂર્વકના સુધારાની પ્રક્રિયા ઉતાવળ અને આડેધડ રીતે હાથ ધરવામાં આવી રહી છે.
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, બંગાળના મતદારોના અધિકારોના રક્ષણ માટે તેમનું આંદોલન ચાલુ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ અને ચૂંટણી પંચના કથિત કાવતરાને જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવશે.
વિરોધ પ્રદર્શન મંચ પર તૃણમૂલ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, બુદ્ધિજીવીઓ, કલાકારો અને સામાજિક કાર્યકરો હાજર હતા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ સભાને સંબોધન કર્યું હતું, તેમણે આરોપ લગાવ્યો હતો કે, મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામો દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહી પ્રક્રિયાને અસર કરી શકે છે.
તેમણે કહ્યું કે, અંતિમ યાદીમાંથી લાખો નામો કાઢી નાખવાથી અને મોટી સંખ્યામાં મતદારોને પેન્ડિંગ કેટેગરીમાં મૂકવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ભાગીદારી અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. તૃણમૂલ કોંગ્રેસે માંગ કરી છે કે, ચૂંટણી પંચ પારદર્શિતા સુનિશ્ચિત કરે અને આ મુદ્દા પર મતદારોના અધિકારોનું રક્ષણ કરે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ