
સુરત, 12 એપ્રિલ (હિ.સ.): સુરતના સચિન GIDC નાકા નજીક શનિવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વધુ ઝડપે દોડતી BMW કારનો ડ્રાઇવર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ગટરના ઢાંકણ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભારે નુકસાન થયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. એરબેગ ખુલ્યા હોવા છતાં ઝટકાની તીવ્રતા વધારે હોવાને કારણે બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. તરત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, ઉન વિસ્તારમાં રહેતા 65 વર્ષીય મસુદ્દીન શેખ તેમના 63 વર્ષીય પત્ની સાયરાબાનુ સાથે નવસારીથી પરત ફરી રહ્યા હતા. તેઓ સાયરાબાનુની બીમાર બહેનને મળવા ગયા હતા અને ઘરે પરત આવતા સમયે આ દુર્ઘટના બની હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાયરાબાનુનું મોત નીપજ્યું હતું, જ્યારે મસુદ્દીન શેખની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને સચિન GIDC પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે