
ગીર સોમનાથ, 12 એપ્રિલ (હિ.સ.) : તાલાલા તાલુકાનાં ઘુંસિયા ગીર ગામની ડી.એસ.સી પબ્લિક સ્કૂલના ધો. ૧૦માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થી મલય મિંજરોલા એ ટેનિસ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લોન ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં મલયે ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે.
આગામી દિવસોમાં દીલ્હી ખાતે યોજાનાર નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાત ટીમનું નેતૃત્વ સંભાળશે. અદભુત સિદ્ધિ બદલ શાળા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.શાળાના સંચાલક મિથુનભાઈ મકવાણાએ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે મલય ની મહેનત અને સમર્પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.શાળા પરિવારે નેશનલ કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મલય શાળાનું નામ રોશન કરે તેવી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ