
મુંબઈ, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) આઇપીએલ 2026ના હાઇ-સ્કોરિંગ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આર.સી.બી.) એ, મુંબઈ ઈન્ડિયન્સ (એમ.આઈ.) પર 18 રનથી પ્રચંડ જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આરસીબીની સંતુલિત બોલિંગે મુંબઈના મોટા લક્ષ્યનો પીછો કરવાના પ્રયાસને અટકાવી દીધો હતો.
પહેલા બેટિંગ કરતા આરસીબીએ, 20 ઓવરમાં 4 વિકેટે 240 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે ફિલ સોલ્ટે 78 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે રજત પાટીદારે 53 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.
241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પાવરપ્લેમાં 62 રનની ભાગીદારી કરી હતી. જોકે છઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે નિવૃત્ત થયો અને મેદાનની બહાર ચાલ્યો ગયો, જે ટીમ માટે મોટો ફટકો સાબિત થયો.
મિડલ ઓર્ડરમાં શેરફેન રધરફર્ડે શાનદાર બેટિંગ કરીને 31 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચને રોમાંચક બનાવી હતી. તેણે મિશેલ સેન્ટનર સાથે 68 રનની ભાગીદારી પણ કરી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.
આરસીબી માટે ક્રુણાલ પંડ્યા અને સુયશ શર્માએ ચુસ્ત સ્પેલ ફેંકીને મુંબઈને 20 ઓવરમાં 5 વિકેટે 222 રન પર રોકી દીધું હતું.
આ જીત સાથે આરસીબીએ ચાર મેચોમાં પોતાની ત્રીજી જીત નોંધાવી અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો, જેણે ટીમની સ્થિતિને વધુ પડકારજનક બનાવી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર /આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ