
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) દિગ્દર્શક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ' આ દિવસોમાં સતત સમાચારોમાં છવાયેલી છે. તાજેતરમાં જ ફિલ્મની પ્રથમ ઝલક જાહેર કરવામાં આવી હતી, જેને લઈને દર્શકોમાં ઉત્સાહની સાથે સાથે દ્રશ્ય અસરો (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) અંગે કેટલીક મિશ્ર પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. હવે ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા યશે આ પ્રતિક્રિયાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
લોસ એન્જલસમાં આયોજિત સિનેમાકોન 2026 દરમિયાન યશે જણાવ્યું હતું કે ફિલ્મના વીએફએક્સ પર હજુ કામ ચાલી રહ્યું છે અને દર્શકોએ જે પ્રારંભિક ઝલક જોઈ છે, તે તેનું અંતિમ સ્વરૂપ નથી. તેમણે જણાવ્યું કે એક આંતરરાષ્ટ્રીય વીએફએક્સ કંપની આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે અને ટીમ વાસ્તવિક લાગે તેવા દ્રશ્યો (ફોટો-રિયાલિસ્ટિક વિઝ્યુઅલ્સ) પર સતત કામ કરી રહી છે. યશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ફિલ્મનું અંતિમ સંસ્કરણ દર્શકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે.
યશે કહ્યું કે 'રામાયણ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તેને એક ભવ્ય સિનેમેટિક અનુભવ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, નિર્માતા અને તકનીકી ટીમનો લક્ષ્ય ભારતીય પૌરાણિક કથાને વૈશ્વિક સ્તરની પ્રસ્તુતિ આપવાનો છે. તેમણે ઉમેર્યું કે જ્યારે ફિલ્મ સંપૂર્ણ રીતે તૈયાર થઈને સામે આવશે, ત્યારે દર્શકોને તેની દ્રશ્ય અસરો ઘણી વધારે પ્રભાવશાળી લાગશે.
બે ભાગમાં બનનારી આ ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષે દિવાળીના અવસરે પ્રદર્શિત થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં પહેલેથી જ જબરદસ્ત ઉત્સાહ છે અને હવે યશના નિવેદન બાદ તેની રજૂઆતની રાહ વધુ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ