
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): એશિયન ગેમ્સ 2026 ના પ્રસારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાએ, જાપાનમાં આયોજિત થનારી 20મી એશિયન ગેમ્સ (આઈચી-નાગોયા 2026) માટે ભારતમાં વિશેષ પ્રસારણ અધિકારો મેળવી લીધા છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે સોની નેટવર્ક ભારતમાં એશિયન ગેમ્સનું પ્રસારણ કરશે.
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાએ માહિતી આપી હતી કે, આ પ્રતિષ્ઠિત બહુ-રમત સ્પર્ધા 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનમાં યોજાશે. કરાર હેઠળ, સમગ્ર ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ સોનીની સ્પોર્ટ્સ ચેનલો પર કરવામાં આવશે, જ્યારે તેનું ડિજિટલ પ્રસારણ સોનીના ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર ઉપલબ્ધ રહેશે.
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના સ્પોર્ટ્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસ હેડ રાજેશ કૌલે જણાવ્યું હતું કે, પાછલી આવૃત્તિમાં ભારતના ઐતિહાસિક પ્રદર્શન પછી દેશમાં બહુ-રમત સ્પર્ધાઓ પ્રત્યે રસ ઘણો વધ્યો છે. ભારતે ગત વખતે 100 મેડલનો આંકડો વટાવીને કુલ 107 મેડલ જીત્યા હતા.
એશિયન ગેમ્સ વિશ્વના સૌથી મોટા બહુ-રમત આયોજનોમાંનું એક છે. આ વખતે તેમાં 41 રમતોનો સમાવેશ થશે, જેમાં 32 ઓલિમ્પિક રમતો પણ છે. આ સાથે જ, આ આવૃત્તિમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને સર્ફિંગ જેવી નવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી સ્પર્ધા વધુ રોમાંચક બનવાની આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ