
લંડન, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ 2017ના મહિલા વન-ડે વિશ્વ કપ પછી કોઈ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે, પરંતુ હવે તે આ દુષ્કાળને ખતમ કરવાના ઈરાદા સાથે જૂન મહિનામાં પોતાના ઘરઆંગણે યોજાનારા ટી-20 વિશ્વ કપ 2026માં ઉતરશે. ટીમની કેપ્ટન નૅટ સિવર-બ્રન્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે લક્ષ્ય માત્ર ખિતાબ જીતવાનું જ છે.
સિવર-બ્રન્ટે એપ્રિલ, 2025માં હીધર નાઈટની જગ્યાએ ઇંગ્લેન્ડની તમામ ફોર્મેટની કેપ્ટનશીપ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં આ ટી-20 વિશ્વ કપ બીજી મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ટૂર્નામેન્ટ હશે અને ઘરઆંગણે આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે. સિવર-બ્રન્ટે ગયા વર્ષે ભારત અને શ્રીલંકામાં રમાયેલા 50 ઓવરના વિશ્વ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ઇંગ્લેન્ડ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારીને બહાર થઈ ગયું હતું.
નૅટ સિવર-બ્રન્ટે બીબીસી સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે ચોક્કસપણે જેટલા ખિતાબ જીતવા માંગતા હતા એટલા જીતી શક્યા નથી અને સ્વાભાવિક છે કે અમે ઇચ્છીએ છીએ કે આ ઉનાળામાં તે બદલાય. તેમણે ઉમેર્યું, એક જીત આ દેશમાં મહિલા ક્રિકેટનું ચિત્ર બદલી શકે છે. માત્ર આ જ લક્ષ્ય કોઈને પણ પ્રોત્સાહિત કરવા માટે પૂરતું છે. આ અમારી ટીમની ઓળખને પણ બદલી શકે છે. 2017 પછી અમે આવું કરી શક્યા નથી, પરંતુ સતત સારું પ્રદર્શન કરતી ટીમ બનવું એ દરેકનું લક્ષ્ય હોય છે.
તેમણે આગળ કહ્યું, મને આશા છે કે અમે કાયમી ધોરણે એક મજબૂત ટીમ બની શકીએ છીએ અને અમે આ સફરની શરૂઆત ટી-20 વિશ્વ કપની જીત સાથે કરવા માંગીશું.
ઇંગ્લેન્ડને ગ્રુપ-બીમાં વર્તમાન ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની સાથે રાખવામાં આવ્યું છે. 12 ટીમોની આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ પોતાના અભિયાનની શરૂઆત 12 જૂને શ્રીલંકા સામે કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ