
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર, ભારતને ગૌરવ અપાવવા જઈ રહ્યા છે. દિલજીત 28 એપ્રિલ પર અમેરિકન હોસ્ટ જિમી ફેલોનના લોકપ્રિય શો 'ધ ટુનાઇટ શો' માં ભવ્ય પુનરાગમન કરશે. આ સમાચાર સામે આવતા જ તેના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ રહી છે.
દિલજીતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જિમી ફેલોન સાથે ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને દિલજીતની વધુ એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ તરીકે જોઈ રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે દિલજીત આ શોમાં જોવા મળશે. અગાઉ જુન 2024 માં, તેમણે તેમના લોકપ્રિય ગીતો 'ગોટ' અને 'બોર્ન ટુ શાઇન' એક જ મંચ પર રજૂ કર્યા હતા. તે સમયે જિમી ફેલોને તેમને વિશ્વના સૌથી મોટા પંજાબી કલાકારોમાંના એક તરીકે દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા. હવે બીજી વખત તેમની હાજરી આ સહયોગને વધુ ખાસ બનાવી રહી છે.
દિલજીતનો એપિસોડ યુએસ સમય અનુસાર રાત્રે 11.35 વાગ્યે 28 એપ્રિલના પ્રસારિત થશે, જેને ભારતીય દર્શકો 29 એપ્રિલની સવારે જોઈ શકશે. આ શોમાં તે વાતચીતની સાથે પોતાના લોકપ્રિય ગીતો પણ રજૂ કરશે. પ્રસારણ પછી, એપિસોડ શોની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી વિશ્વભરના ચાહકો તેને જોઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ